(પ્રશાંત જયસ્વાલ/વિશાલ જયસ્વાલ) હળવદ, તા.7
હળવદના સેવાભાવી પાટિયા ગ્રુપ દ્વારા વિવિધ દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને 10,000 ફુલસ્કેપ અને 300 સ્કૂલબેગનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણને પ્રોત્સાહન આપતા આ સેવાયજ્ઞનો ભવ્ય કાર્યક્રમ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધા, સેવા અને સમાજહિતના માહોલમાં યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત ભગવાન શરણેશ્વર મહાદેવજીના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાયબર સેલના મુખ્ય અધિકારી ડો. રાજદીપસિંહ ઝાલા (એસ.પી.) ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે બીપીનભાઈ દવે, અશ્વિનભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, વિપુલભાઈ દવે, જયેશભાઈ પટેલ, તપનભાઈ દવે, વિશાલભાઈ રાવલ, ડો. કિશોર કવાડિયા, ડો. ઉર્વશીબેન પંડ્યા, શ્રીમતી હીનાબેન મહેતા, દિલીપભાઈ રાવલ, ડો. અનિલ પટેલ, વિનુભાઈ પટેલ, અતુલભાઈ પાઠક સહિત અનેક આગેવાનો, દાતાશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે હળવદનું ગૌરવ અને પાટિયા ગ્રુપના સભ્ય ડો. રાજદીપસિંહ ઝાલા (એસ.પી.)નું પાઘડી, શાલ અને સન્માનપત્ર અર્પણ કરીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગ્રામદેવતા લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપકદાસજી મહારાજના આશીર્વચન પ્રાપ્ત થયા હતા.ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ અને ફુલસ્કેપનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજુભાઇ દવે દ્વારા કરવામાં આવ્યું હતું.

