Tuesday, 22 Sep, 11.03 am સાંજ સમાચાર

ઇન્ડિયા
IPL 2020: 'ચહલ'કદમી સામે હૈદરાબાદ પરાસ્ત, બેંગ્લોર 10 રને વિજેતા

દુબઈ, તા.22
દુબઈના ગ્રાઉન્ડ પર વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ડેવિડ વોર્નરની સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે થયેલી ટક્કરમાં ચેેલેન્જર્સ બાજી મારી ગયા હતા. આ મેચમાં બેંગ્લોર વતી યુઝવેન્દ્ર ચહલની ફિરકીમાં હૈદરાબાદ સપડાઈ જતાં તેણે 10 રને પરાજય ખમવો પડ્યો હતો તો ઘણી સીઝન બાદ બેંગ્લોરે તેના અભિયાનનો જીત સાથે પ્રારંભ કર્યો હતો.

એકંદરે બેટિંગ બાદ બોલિંગમાં પણ કોહલીના ચેલેન્જર્સ પૂરબહારમાં ખીલી ઉઠતાં હરિફ ટીમના ખેલાડીઓએ નતમસ્તક થઈ જવું પડ્યું હતું. આ મેચમાં હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. જવાબમાં બેંગ્લોરે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી 163 રન બનાવ્યા હતા. બેંગ્લોર વતી ડોમેસ્ટિક ક્રિકેટના હિરો દેવદત્ત પડ્ડીકલે શરૂઆતથી જ સટાસટી બોલાવતાં 56 રનની ઈનિંગ રમી હતી.

પડ્ડીકલને એરોન ફિન્ચે વ્યવસ્થિત રીતે સ્ટેન્ડ આપતાં પ્રથમ 10 ઓવર બેંગ્લોરના નામે રહી હતી. જો કે સતત બે બોલમાં બન્ને ઓપનરો આઉટ થયા બાદ વિરાટ કોહલી અને એબી ડિલિયર્સે બાજી સંભાળી લેતાં 28 બોલમાં 33 રન બનાવ્યા હતા. વિરાટ 13 બોલમાં 14 રન બનાવીને આઉટ થયાબાદ ડિવિલિયર્સે કમાન સંભાળી હતી અને 30 બોલમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 51 રન બનાવીને ટીમના સ્કોરને 163 રન સુધી પહોંચાડ્યો હતો. હૈદરાબાદ વતી ટી.નટરાજન, વિજય શંકર અને અભિષેક શર્માને એક-એક વિકેટ મળી હતી.

બેંગ્લોરે આપેલા 164 રનના લક્ષ્‍યાંક સામે હૈદરાબાદની શરૂઆત સારી રહી નહોતી. કેપ્ટન ડેવિડ વોર્નર 6 બોલમાં 6 રન બનાવી રનઆઉટ થયો હતો. આ પછી જોની બેરીસ્ટો અને મનિષે પાંડે વચ્ચે 71 રનની ભાગીદારી થતાં મેચ હૈદરાબાદ તરફી બની હતી પરંતુ ફિરકી બોલર યુઝવેન્દ્ર ચહલે હૈદરાબાદની આશા ઉપર પાણી ફેરવતાં 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ ખેડવી નાખતાં હૈદરાબાદનો બેટિંગ ડિપાર્ટમેન્ટ તહેસ-નહેસ થઈ ગયો હતો. બાકીની કસર નવદીપ સૈની અને શિવમ દુબેએ પૂર્ણ કરતાં બે-બે વિકેટ પોતાના નામે કરતાં હૈદરાબાદ 19.4 ઓવરમાં 153 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું.

પરાજય સાથે હૈદરાબાદને લાગ્યો મોટો ઝટકો, મિચેલ માર્શ ઈજાગ્રસ્ત
હૈદરાબાદ તરફથી રમતાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર મીચેલ માર્શે હજુ તો મેચમાં પોતાની પ્રથમ ઓવરના ચાર બોલ ફેંક્યા હતા ત્યાં જ તેના સ્નાયુ ખેંચાઈ જતાં મેદાન છોડીને જવું પડ્યું હતું. આ પછી વિજય શંકરે માર્શની ઓવરની પૂરી કરી હતી. જો કે ટીમને જરૂર જણાતાં માર્શ બેટિંગ કરવા માટે મેદાનમાં આવ્યો હતો પરંતુ પહેલાં જ બોલે આઉટ થયો હતો. માર્શ હવે આગામી મેચમાં રમશે કે કેમ તેના ઉપર પણ પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top