રાજકોટ, તા.2 રાજકોટના જાગનાથ વિસ્તારમાં થયેલા મારામારીના કેસમાં નામદાર અદાલતે પુરાવાના અભાવે ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મુક્યા છે.
કેસની વિગતો મુજબ ફરિયાદી હાર્દિકકુમાર મહેતાએ પ્રનગર પોલીસ સ્ટેશનમાં હાર્દિક જયેશભાઈ વોરા, પારસ કિશોરભાઈ અંજારિયા, ઉજવલ કિરણભાઈ જોષી અને વિશ્વજીતસિંહ વિક્રમસિંહ જાડેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં આરોપ મૂકાયો હતો કે માસીની દીકરીને હેરાન કરવાની બાબતે ઠપકો આપતાં આરોપીઓએ લાકડી, હોકી અને બેટ વડે હુમલો કરી ફ્રેક્ચર સહિત ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી બાદમાં જામીન પર મુક્ત કર્યા હતા અને તપાસ પૂર્ણ કરી ચાર્જશીટ અદાલતમાં રજૂ કરી હતી. ટ્રાયલ દરમિયાન ફરિયાદી તથા સાક્ષીઓની જુબાનીઓ નોંધાયા બાદ બચાવપક્ષના એડવોકેટ મહેન એમ. ગોંડલીયા (પટેલ) દ્વારા ઉલટતપાસ અને અંતિમ દલીલમાં રજૂઆત કરવામાં આવી હતી કે ફરિયાદી અને સાક્ષીઓની જુબાનીઓમાં ગંભીર વિરોધાભાસ છે, બનાવનું સ્થળ, સમય તથા આરોપીઓની ઓળખ અંગે સ્પષ્ટ અને વિશ્વસનીય પુરાવો સામે આવ્યો નથી .
તેમજ પંચ સાક્ષીઓની જુબાનીઓ પણ એકસરખી નથી. આ તમામ સંજોગો અને પુરાવાનું મૂલ્યાંકન કર્યા બાદ નામદાર અદાલતે આરોપીઓ વિરુદ્ધ ગુનો શંકાથી પર સાબિત થતો ન હોવાનું નોંધતાં ચારેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી રાજકોટના યુવા એડવોકેટ મહેન.એમ.ગોંડલીયા, યોગેશભાઈ જોલાપરા તથા રવિન એન. સોલંકી રોકાયેલા હતા.

