Friday, 29 May, 5.38 pm સાંજ સમાચાર

રાજકોટ
જાણો 9 મોટા નિર્ણયો જેના કારણે 135 કરોડ ભારતીયોનું ભવિષ્ય બદલાયું

રાજકોટ તા.29
ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે એક સંયુકત અખબારી યાદીમાં જણાવેલ હતું કે વિશ્ર્વના સૌથી લોકપ્રિય નેતા તેમજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની ભાજપ સરકારના બીજા કાર્યકાળનું પ્રથમ વર્ષ પૂર્ણ થયું છે અને બીજા વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સંપૂર્ણ બહુમતીવાળી ભાજપ સરકારે કેન્દ્રમાં છ વર્ષ પૂર્ણ કરી લીધા છે. સૌ પ્રથમ મોદી સરકારે 16મી મે 2014નાં રોજ કેન્દ્રની સત્તા સંભાળી હતી. જયારે બીજી વખત 30મી મે 2019ના રોજ કેન્દ્રની સત્તા સંભાળવાનું ફરી એક વખત શરૂ કર્યુ હતું. આ રીતે મોદી સરકાર 2.0ના એક વર્ષ સહિત બંને ટર્મ મુજબ કુલ 6 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આવો જોઇએ મોદી સરકાર 2.0ના એક વર્ષના મહત્વપૂર્ણ 9 નિર્ણયો જેણે દેશની દશા-દિશા બદલી નાંખી.

1 જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ રદ કરવામાં આવી
મોદી સરકાર 2.0એ જંગી બહુમતી સાથે કેન્દ્ર સરકારમાં ફરી એક વખત આવીને સૌ પ્રથમ કાર્ય જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 3પએ રદ કરવાનું કર્યુ. અચાનક જ પ ઓગષ્ટના રોજ દુનિયાને ખબર પડી કે મોદી સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 3પએ નાબૂદ કરવામાં આવી છે અને સાથે કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર અને લદાખના રૂપમાં બે નવા કેન્દ્ર શાસિત પ્રદેશોને જન્મ આપ્યો છે. જે 70 વર્ષોમાં કોઇ ન કરી શકયું એ મોદી સરકાર 2.0એ સત્તામાં આવી 70 દિવસોમાં કરી નાખ્યું.

2. ટ્રિપલ તલાક કાયદો
26 જુલાઇ 2019ના રોજ સંસદે મુસ્લિમ મહિલા મેરેજ રાઇટસ પ્રોટેકશન બિલ-2019 પસાર કર્યુ અને ટ્રિપલ તલાક પ્રથાએ કાયદાકીય રીતે ગુનો બની ગયો. ત્રણ વખત તલાક બોલીને કે એસએમએસ-ઇમેઇલ મોકલીને લગ્ન તોડવા બદલ 3 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઇ કરવામાં આવી મોદી સરકારે ત્રણ તલાકની પ્રથાને ગેરકાનૂની બનાવી બહુ મોટુ કાર્ય કર્યુ.

3. આતંકવાદ વિરૂઘ્ધ યુએપીએ એકટમાં સુધારો
યુએપીએ એટલે કે ગેરકાયદેસર પ્રવૃતિઓનું નિવારણ (સુધારો) બિલ લોકસભા અને રાજયસભામાં 2 ઓગષ્ટના રોજ પસાર થયું અને આ અંગેનો નવો કાયદો અમલમાં આવ્યો. કેન્દ્રની મોદી સરકાર 2.0એ આતંક વિરૂઘ્ધના યુઘ્ધમાં આ એક મોટુ પગલુ ભર્યુ છે. આ કાયદા મુજબ શંકાસ્પદ વ્યકિતને આતંકવાદી જાહેર કરી શકાશે. આ ઉપરાંત મોદી સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી આતંકવાદીઓને ખતમ કરવા માટે ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યુ હતું. આ ઓપરેશન દ્વારા સરકાર આતંકવાદી સંગઠનોને કાબુમાં લાવવામાં સફળ રહી હતી.

4. સિંગલ યુઝ પ્લાસ્ટીક બેન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સ્વતંત્રતા દિવસે દેશને સિંગલ યુઝ પ્લાસ્ટીક મુકત બનાવવા માટે પહેલ કરી હતી. આ અભિયાન 2 ઓકટોબર ગાંધી જયંતીના દિવસથી શરૂ કરવા જણાવ્યું હતું. સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ફકત એક જ વાર કરી શકાય છે. હાલ આ પ્લાસ્ટીકનો આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

5. 10 સરકારી બેંકના મર્જરની ઘોષણા
30 ઓગષ્ટ 2019ના રોજ મોદી સરકાર 2.0એ 10 સરકારી બેંકને મર્જર કરી 4 મોટી બેંક બનાવવાની ઘોષણા કરી વર્ષ 2017માં 27 સરકારી બેંકો હતી. જેની સંખ્યા ઘટીને 12 થઇ ગઇ. મોદી સરકારનાં આ નિર્ણયથી બેંકોને એક નવી ઉર્જા મળી.

6. શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ સ્થાપના
ફેબ્રુઆરી મહિનામાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે કેબીનેટની બેઠકમાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે. આ ટ્રસ્ટનું નામ શ્રી રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર રહેશે. રામ મંદિરના નિર્માણ અને તે અંગેના નિર્ણયો લેવા માટે ટ્રસ્ટ સંપૂર્ણપણે સ્વતંત્ર રહેશે. સુપ્રિમ કોર્ટે 9 નવેમ્બરે અયોઘ્યા મુદ્દે ઐતિહાસીક ચૂકાદો આપ્યાના 87 દિવસ બાદ મોદી સરકાર 2.0એ ટ્રસ્ટ સ્થાપનાની જાહેરાત કરી હતી.

7. ભારતીય નાગરિકતા સુધારણા કાયદો
મોદી સરકાર 2.0 દ્વારા ભારતીય નાગરિકતા સુધારણા કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના સૂચિત સુધારાને લોકસભા અને રાજયસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રપતિની સહી પછી સીટીઝનશીપ એમેન્ડમેન્ટ બિલ (સીએબી) કાયદો બની ગયો છે. મતલબ કે સીટીઝનશીપ એમેન્ડમેન્ટ એકટ (સીએએ) આ કાયદા મુજબ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના હિન્દુઓ તેમજ શીખ, બૌઘ્ધ, જૈન, પારસીઓ અને ખ્રિસ્તીઓ માટે માન્ય દસ્તાવેજો વગર તેમને ભારતીય નાગરિકત્વ મળી જશે.

8. નવો મોટર વાહન અધિનિયમ અને ફાસ્ટેગ
નવો મોટર વાહન અધિનિયમનો કાયદો 1 સપ્ટેમ્બર 2019ના રોજ અમલમાં આવ્યો. ટ્રાફિકના નિયમોને તોડવા બદલ દંડની રકમમાં 10 ગણો વધારો થયો અને સજાની અવધીમાં પણ વધારો થયો. આ ઉપરાંત ટોલ પ્લાઝા પર ટોલ કલેકશન સિસ્ટમથી થતી સમસ્યાઓને હલ કરવા માટે ભારતના નેશનલ હાઇવે ઓથોરીટી દ્વારા ઇલેકટ્રોનીક ટોલ કલેકશન સિસ્ટમ ભારતમાં રજૂ કરવામાં આવી છે. વાહન વ્યવહાર ક્ષેત્રે નવો મોટર વાહન અધિનિયમ અને ફાસ્ટેગ મોદી સરકાર 2.0ના મહત્વપૂર્ણ નિર્ણયો પૈકીના નિર્ણયોમાં સમાવેશ થાય છે.

9. રૂપિયા 20 લાખ કરોડ આર્થિક પેકેજ સહાય
કોરોના વાયરસની મહામારીમાં દેશનાં અર્થતંત્રને મજબૂત-શકિતશાળી બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજ-આત્મનિર્ભર ભારત પેકેજની જાહેરાત કરી હતી. મોદી સરકાર 2.0 દ્વારા જાહેર કરવામાં આવેલ આ પેકેજ પાકિસ્તાનની જીડીપીથી પણ વધારે છે. ઉપરાંત 149 દેશોની કુલ જીડીપી કરતાં પણ વધુ આ રાહત પેકેજ છે. જેમાં વિયેતનામા, પોર્ટુગલ, ગ્રીસ, ન્યુઝીલેન્ડ અને રોમાનીયા જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. આ સિવાય કોરોના વાયરસની વૈશ્ર્વિક મહામારીના લીધે વંદે ભારત મિશન હેઠળ વિદેશોમાં વસતા ભારતીયોને વતન પહોંચાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar
Top