◘ બાઈક મોરો ભાંગેલી હાલતમાં રોડ પર પડ્યું હોય અકસ્માતની પણ સંભાવના, જોકે ફોરેન્સિક રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે
રાજકોટ, તા.5
જસદણના 38 વર્ષીય સમીર રાઠોડનો મૃતદેહ ઈજાગ્રસ્ત હાલતમાં ખાનપર ગોળાઈએથી મળ્યો હતો. બનાવ શંકાસ્પદ લાગતા મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયો હતો. મૃતક પોતે ઊંટવડ ગામે નાસ્તાની લારી ચલાવતો હતો.
બાઈક પર રાત્રે ઘરે આવતો હતો ત્યારે 11.30 વાગ્યે રોડની સાઈડમાંથી મૃતદેહ મળેલ હતો. બાઈક મોરો ભાંગેલી હાલતમાં રોડ પર પડ્યું હોય અકસ્માતની પણ સંભાવના, જોકે ફોરેન્સિક રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે.
આ અંગે મળતી માહિતી અનુસાર, સમીરભાઈ રજાકભાઈ ઉર્ફે જીણાભાઈ રાઠોડ (ઉંમર વર્ષ 38રહે. જસદણ, ખાટકી ચોક, સરકારી હોસ્પિટલ પાછળ) ગઈકાલે રાત્રે 11.30 વાગ્યાં આસપાસ જસદણ નજીક ખાનપર ગોળાઈ પર રોડની સાઈડમાંથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ. તેને માથે, શરીરે, હોઠ ઉપર, ચહેરા ઉપર ઇજાના નિશાન હતા. જસદણ હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કરેલ. બનાવના પગલે પોલીસ દોડી ગઈ હતી અને આ તરફ પરિવારજનોને જાણ થતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.
પરિવારજનોએ જણાવ્યું કે, સમીરભાઈને સંતાનમાં બે દીકરી છે. પોતે ચાર ભાઈમાં વચ્ચેટ હતા અને ઊંટવળ ગામે પકોડા નાસ્તાની લારી ચલાવતા હતા. તેઓ ગઈકાલે ઊંટવળથી પોતાની લારીએથી જસદણ ઘરે આવવા માટે બાઈક ઉપર નીકળ્યા હતા. જોકે ખાનપરની ગોળાઈ પાસેથી તે બેભાન હાલતમાં ગંભીર ઇજાગ્રસ્ત રીતે મળી આવ્યા હતા. તેના ચહેરા ઉપર અને માથામાં ઇજાના નિશાન છે. જ્યારે તેનું બાઈક પણ રોડ ઉપર પડ્યું હતું.
બાઈકનો મોરો ભાંગેલો હતો. જોકે ઇજા અકસ્માત જ થઈ છે કે અન્ય કોઈ કારણે? તે દેખીતી રીતે જાણી શકાય એમ ન હોય અને પરિવારજનો એ પણ શંકા દર્શાવતા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

