જયપુર (રાજસ્થાન) તા.2 અહીંના વિદ્યાનગર સ્ટેડીયમમાં પોતાની 10 ટકા અનામત સહિત વિવિધ માંગોને લઈને મહાપંચાયત કરી રહેલા ઘુમંતુ સમાજનું આંદોલન ગઈકાલે સાંજે અચાનક ઉગ્ર અને હિંસક થઈ ગયું હતું. જયારે તેમના નેતાની સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ ગઈ હતી.
ગઈકાલે આંદોલન દિવસભર શાંતિથી ચાલતુ હતું. પરંતુ આંદોલનકારીઓના નેતા અને સરકાર વચ્ચેની મંત્રણા વિફળ રહેતા આંદોલનકારીઓ વિફર્યા હતા અને પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
પોલીસે સ્થિતિને કાબુમાં લેવા લાઠીચાર્જ, આંસુગેસનો ઉપયોગ કરવો પડયો હતો.
ઘટનાસ્થળે અફડાતફડી મચી ગઈ હતી. પથ્થરમારામાં અનેક પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. કાયદો વ્યવસ્થા બગડતી જોઈ વધારાની પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે 15 ઉપદ્રવીઓની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે ઘુમંતુ સમાજના લોકો મુખ્યત્વે 10 ટકા અનામત રહેવાના સ્થળે કાયમી પટ્ટા ફાળવવા અન્ય 11 સૂત્રોની માંગ કરી છે. સરકાર તરફથી વરિષ્ઠ આઈએએસ અધિકારી કુલદીપ રાંકા અને આંદોલનકારીઓના નેતા વચ્ચેની મંત્રણા પુરી રીતે પરિણામ વગરની રહી હતી.ઘુમતુ સમાજની પંચાયતે મુખ્યમંત્રી આવાસ તરફ કૂચનું એલાન કર્યું હતું, બાદમાં દેખાવકારો રસ્તો પર ઉતરી આવ્યા હતા.

