Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
જુનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, પોરબંદર જિલ્લામાં મુશળધાર કૃપા વરસી

જુનાગઢ, ગીર-સોમનાથ, જામનગર, પોરબંદર જિલ્લામાં મુશળધાર કૃપા વરસી

રાજકોટ, તા.3 સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ સટાસટી યથાવત રાખી છે અને સર્વત્ર ધોધમાર વરસ્યો છે. ખાસ કરીને સોરઠ- ગીર સોમનાથ, પોરબંદર પંથકમાં ર4 કલાક દરમ્યાન 1 થી 16 ઇંચ વરસાદ ખાબકયો હતો.

સોરઠનાં ગરોળમાં 13, કેશોદ-માળીયાહાટીનામાં 11, માણાવદરમાં 11 તથા ગીર સોમનાથના સુત્રાપાડામાં 13, કોડીનારમાં 6, તલાલામાં 3.પ ઇંચ અને પોરબંદરનાં કુતિયાણામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો.

જયારે રાજકોટ જિલ્લામાં 0.5 થી 4, જામનગરમાં 05 થી 8, પોરબંદરમાં 0॥ થી 6, અમરેલી જિલ્લામાં 0॥ થી ર.પ ઇંચ, ભાવનગરમાં 0.5 થી 1.પ ઇંચ અને બોટાદ જિલ્લામાં 0॥થી સવા ઇંચ વરસાદ નોંધાયો હતો.દરમ્યાન સૌરાષ્ટ્રમાંથી મળતા અહેવાલો મુજબ,

માંગરોળ
માંગરોળમાં ગતરાત્રીથી સતત પડી રહેલા વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આજે દિવસ દરમ્યાન વધુ નવ ઈંચ વરસાદ ખાબકતા અનેક સોસાયટીઓમાં તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. બંદર વિસ્તારમાં બે વૃક્ષો ધરાશયી થયા હતા. શહેરને જોડતા બે માર્ગો પર પુષ્કળ પ્રમાણમાં પાણી આવી જતા સવારથી જ વાહન વ્યવહાર ઠપ્પ છે. લંબોરા ડેમ ઓવરફ્લો થતાં નોળી નદીમાં પુર આવ્યું છે.

શહેરમાં અવિરતપણે વરસી રહેલા વરસાદથી જાહેર માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. સવારે 10 થી બપોરે 2 વાગ્યા સુધીમાં ચાર કલાકમાં મુશળધાર 7 ઈંચ વરસાદ ખાબક્યો હતો. પરિણામે કામનાથ સોસાયટી, તિરૂપતિ નગર, ગાયત્રી નગર, સોલવાવ, સોલંકી સોસાયટી, મીઠીવાવ સહિતના વિસ્તારોમાં મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. અમુક સોસાયટીઓમાં ન.પા. દ્વારા દિવાલ તોડી પાણીનો નિકાલ કરાયો હતો. દાવાનળ કોઝવે પર પાણીની ભારે આવકને લીધે માંગરોળને જુથળ, માળીયાથી જોડતો રસ્તો સવારથી બંધ છે. પરિણામે અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.

સોરઠ
સોરઠજિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની મહેર ઉતરી પડતા સર્વત્ર જિલ્લામાં ચારથી 18 ઇંચ વરસાદ નોંધાયા બાદ ગતરાત્રિના 2 વાગ્યાથી વરસાદે વિરામ લીધો છે પરંતુ ભારે બફારા વચ્ચે ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવું વાતાવરણ જોવા મળી રહ્યો છે, સૂર્યનારાયણ કાળા ડિબાગ વાદળો પાછળ ઢંકાઈ જતાં તેમના દર્શન થવા પામ્યા નથી.

છેલ્લા બે દિવસમાં નોંધાયેલા વરસાદમાં સૌથી વધુ માંગરોળ પંથકમાં 18 ઇંચ, કેશોદ, માળીયાહાટીના તાલુકાઓમાં 17 ઈચ વરસાદ નોંધાયો છે, મારો તાલુકામાં 48 કલાકમાં 10:30 ઇંચ, ભેસાણમાં છ ઇંચ, વંથલી જુનાગઢ માં પાંચ પાંચ ઇંચ તેમજ વિસાવદરમાં પણ પાંચ ઇંચ જ્યારે મેંદરડામાં સૌથી ઓછો ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

ઢાંક
ઉપલેટા તાલુકાના ઢાંક પંથકના ધરતી પુત્ર જેની રાહ જોઇ રહ્યા હતા તેની ત.ર-7ને બપોરના 2.30 વાગ્યાથી કડાકા ભડાકા સાથે તોફાની ઇનિંગ શરૂ થતા માત્ર દોઢ કલાકમાં 3.30 ઇંચ વરસાદ નોંધાત ધરતી પુત્રો ગેલમાં અવી ગયો છે. ઠેર ઠેર લાપસીના આંધણ મુકવામાં આવેલ છે.
તેમજ ઢાંક પંથકના ગધેથડ, નાગવદર, મેરવદર, રાજપર, ચરેલીયા, ખારેચીયા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં 3 થી 4 ઇંચ વરસાદ પડી ગયાના સમાચાર પ્રાપ્ત થયા છે.

અમરેલી
જિલ્લામાં હાલ ઝાપટાથી લઈ અઢી ઇંચ સુધી વરસાદ પડી જતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ છે. સાવરકુંડલા શહેર અને પંથકમાં સતત વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. લાંબા સમયથી ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને વરસાદથી રાહત મળી છે. સતત વરસાદી માહોલને કારણે ખેડૂતોમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.

બાબરા પંથકમાં સતત બીજા દિવસે મેઘમહેર યથાવત રહી હતી. બાબરા શહેર ઉપરાંત દરેડ, ખાખરીયા, જામબરવાળા, ગળકોટડી, કરિયાણા, લુણકી અને ઇંગોરાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાઠી શહેરમાં બપોર બાદ ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. તાલુકાના ભુરખિયા, ધામેલ, મેમદા અને હજીરાધાર ગામોમાં અનરાધાર વરસાદ વરસતાં સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા હતા. મેમદા ગામનો સ્થાનિક ડેમ પણ છલકાયો હતો.

વડીયા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન રહ્યા હતા. વડીયા શહેર ઉપરાંત ઢૂંઢિયા પીપળીયા, બરવાળા બાવળ, દેવળકી અને હનુમાન ખીજડીયા ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો હતો. વડીયામાં 45 મીમી, બરવાળા બાવળમાં 50 મીમી, ઢૂંઢિયા પીપળીયામાં 42 મીમી અને દેવળકીમાં 27 મીમી વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ હતી.

ધારી ગીર પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો. ધારી શહેર ઉપરાંત ડાંગાવદર, મોણવેલ, ભાડેર, માલસીકા અને કાથરોટા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ બાદ વરસાદ શરૂ થતાં સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

અમરેલી જિલ્લમાં ફલ્ડ કંટ્રોલ રૂમમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા દરમિયાન કુંકાવાવ વડિયા 66 મી.મી.,બાબરા 10 મી.મી., લાઠી મી.મી., લીલીયા 45 મી.મી., અમરેલી 6 મી.મી., બગસરા 24 મી.મી., ધારી 8 મી.મી., સાવરકુંડલા 2 મી.મી., જાફરાબાદ 21 મી.મી., તથા રાજુલામાં 4 મી.મી. વરસાદ નોંધાયો છે.

વડિયા
સમગ્ર રાજ્યમાં જૂન મહિનો કોરો ગયા બાદ જુલાઈ ની શરૂવાત થી મેઘરાજાએ હેત વરસાવવાનુ ચાલુ કર્યું હોય તેમ અમરેલી જિલ્લા ના છેવાડાના વિસ્તાર એવા વડિયા વિસ્તાર માં પણ સતત બે દિવસથી બપોરબાદ હેતા વરસાવતા જોવા મળ્યા છે. વડિયામાં તારીખ 1 ના રોજ બપોર બાદ 30 મીમી જેટલો વરસાદ નોંધાતા ખેડૂતો નિરાશ થતા જોવા મળ્યા હતા જયારે 2 તારીખે બીજા દિવસે બપોરના 2:30 થી ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પણ પાણી પાણી થતા જોવા મળ્યા હતા.

ભાવનગર
ભાવનગર શહેરમાં આજે સવારથી ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો છે. જ્યારે જિલ્લાના ઘોઘા માં અને મહુવામાં બપોર સુધીમાં અડધો ઇંચ વરસાદ પડી ગયો હતો. ગોહિલવાડ પંથકમાં વરસાદી માહોલ ઉભો થયો છે. આજે ગુરુવારે સવારથી જ ભાવનગર શહેરમાં ઝરમરિયો વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ઘોઘા અને મહુવા પંથકમાં સવારે અર્ધા ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

રાજુલા
રાજુલાના આજુબાજુના વિસ્તારમાં બુધવારે સવારથી જ વાદળછાયુ વાતાવરણ જામ્યું હતું. તે દરમિયાન સાંજે 6 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો ત્યારે નવ વાગ્યા સુધીમાં એકાદ ઈંચ વરસાદ પડી ગયો છે વરસાદ હજુ ચાલુ જ છે. આ વરસાદના કારણે કાળઝાળ ગરમીમાં ધટાડો જોવા મળી રહ્યો છે.

જાફરાબાદ
જૂન મહિનો સાવ કોરો ગયા બાદ અને દુષ્કાળ જેવી ભીતિ વચ્ચે આખરે જુલાઈ માસના પ્રારંભ સાથે જ જાફરાબાદ અને આસપાસના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જાફરાબાદ શહેરમાં બુધવારે વહેલી સવાર ના અરસામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી આ વરસાદને કારણે શહેરીજનોને લાંબા સમયથી સતાવી રહેલા અસહ્ય બફારા અને ઉકળાટમાંથી મોટી રાહત મળી છે.

માધવપુર
માધવપુર ગેટમાં મોસમનો પહેલો વરસાદ 8 ઇચ વરસાદ થયો હતો. ખેડ વિસ્તારના પાટા સીંગરીયા મંડળ કડછ સહિતના ગામોમાં આ મેચ સવાઈ જોવા મળી રહી હતી માધવગઢમાં ગત વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ છવાયું હતું. ત્યારે આજ સાંજ સુધીમાં આઠ જેટલો વરસાદ વરસે જતાં સાથે ખેતરો માં પાણી ભરાઈ ચૂક્યા હતા.

જામનગર જિલ્લામાં વાવણી લાયક વરસાદથી આનંદ

જામજોધપુર પંથકમાં તોફાની બેટીંગ: જોડિયા, કાલાવડ, લાલપુર તાલુકામાં હળવો વરસાદ

જામનગર, તા. 3
, જામનગર જિલ્લામાં ચોમાસાએ હવે જોર પકડવાનું શરૂ કર્યું છે. ગુરુવારે જામજોધપુર તાલુકામાં મેઘરાજાએ પ્રથમ જ રાઉન્ડમાં તોફાની બેટિંગ કરતાં માત્ર છ કલાકના સમયગાળામાંસવા સાત ઇંચથી વધુ વરસાદ વરસાવ્યો હતો. ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં નવા નીરની આવક થઈ હતી, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, અને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

લાંબા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. ગુરુવારે બપોરે લગભગ બે વાગ્યાથી હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો અને સમગ્ર આકાશ કાળા ઘેરા વાદળોથી છવાઈ ગયું હતું. બપોરે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીના સમયગાળામાં અંદાજે બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ બપોરે ચાર વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધીના માત્ર બે કલાકમાં મેઘરાજાએ વધુ ચાર ઇંચ જેટલો વરસાદ વરસાવતા કુલ છ કલાકમાં સવા સાત ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

જિલ્લાના જોડિયા તાલુકામાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી. સવારે છ વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ હતી અને સવારે આઠ વાગ્યાથી દસ વાગ્યા દરમિયાન અંદાજે એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
કાલાવડ તાલુકામાં બપોરથી હવામાનમાં પલટો આવ્યો હતો અને શહેરમાં અંદાજે અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ પડ્યાના અહેવાલો મળી રહ્યા છે.

લાલપુર તાલુકામાં પણ બપોર બાદ વરસાદી માહોલ જામ્યો હતો. તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યાના અહેવાલો પ્રાપ્ત થયા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.જોડિયા તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ થતા વાતાવરણ માં ઠંડક પ્રસરી હતી.જિલ્લામાં થયેલા વરસાદથી ખેડૂતોને હૈયા પુલકિત થયા હતા. ખેડૂતો વાવણીના કાર્યમાં જોતરાયા છે.જામજોધપુર તાલુકામાં થયેલા ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક શરૂ થઈ હતી.

બીજી તરફ જામનગર શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આકાશ ઘેરા વાદળોથી છવાયેલું હોવા છતાં સાંજ સુધી મેઘરાજાની નોંધપાત્ર એન્ટ્રી થઈ નહોતી. શહેરવાસીઓ હજુ પણ વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને આગામી કલાકોમાં સારા વરસાદની આશા વ્યક્ત કરી રહ્યા છે.જ્યારે જામનગર તાલુકાના ગ્રામ્ય પંથકમાં છૂટાછવાયા વરસાદના અહેવાલો સાંપડી રહ્યા છે.

જામજોધપુર વિસ્તારમાં બારે મેઘ ખાંગા: 8 ઇંચ ખરાવાડમાં તણાયેલા બે બાળકોનો બચાવ

સ્થાનિક યુવાનોએ જીવના જોખમે બન્નેને ઉગાર્યા: ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

(ભરત ગોહેલ) જામજોધપુર, તા.3
જામજોધપુર તાલુકામાં ગઇકાલે પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. બપોરે અંદાજે 2 વાગ્યાથી સાંજે 7:00 વાગ્યા સુધી પડેલા આ ભારે વરસાદને કારણે ખરાવાડ વિસ્તારમાં પાણીનો જોરદાર પ્રવાહ વહેતો થયો હતો.

આ દરમિયાન પાણીના ધસમસતા પ્રવાહમાં બે બાળકો તણાઈ જતાં સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે, નજીકમાં હાજર રહેલા બે સ્થાનિક યુવાનોએ સમયસૂચકતા અને બહાદુરી દાખવી જીવના જોખમે પાણીમાં ઝંપલાવી બંને બાળકોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. સમયસર કરાયેલા બચાવ કામગીરીના કારણે બંને બાળકોનો આબાદ બચાવ થયો હતો.

સમગ્ર ઘટના નજીકમાં લગાવવામાં આવેલા કેમેરામાં કેદ થઈ હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ જામજોધપુર સહિત ગ્રામ્ય પંથકમાં સાતથી આઠ ઈંચ જેટલો જુદા જુદા વિસ્તારમાંવરસાદ થયો હતો

ઉપલેટા મેઘરાજાની સટાસટી: 4 ઈંચ

ખેતરો-રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા: ખેડૂતો ખુશખુશાલ

(કૃષ્ણકાંત ચોટાઈ)ઉપલેટા તા.3
રાજકોટ જિલ્લામાં બે દિવસથી વરસાદ પડવાની શરૂઆત થતા વરસાદી માહોલ હવે જામવા લાગેલ છે. આ દરમિયાન ઉપલેટા વિસ્તારમાં ગઈકાલે બપોરના બે સીસ્ટમ એક્ટિવ થતા 2 થી 5 વાગ્યા સુધીમાં ત્રણથી ચાર ઇંચ જેવું પાણી ઉપલેટા શહેર પર વરસી પડ્યું હતું સીઝનનો પહેલો વરસાદ 3 થી 4 ઈંચ પડી જતા ખેડૂતો તેમજ ગામ લોકો વરસાદની મોજ માણવા માટે પોતાના ધંધા રોજગાર બંધ કરી રોડ રસ્તા પર નીકળી ગયા હતા.

જોત જોતા માં એક કલાકની અંદર ખેતરો તેમજ રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આમ જોઈએ તો ખેડૂતોના વાવણી મુહૂર્ત ભીમ અગિયારસ કે જે ચાર દિવસ પહેલા હોય અને તેમને શુકનવન્તુ ખેડૂતો માનતા હોય ત્યારે વાવણી કરતા હોય છે ભીમ અગિયારસના ચોથા કે પાંચમા દિવસે વાવણી લાયક વરસાદ નોંધવાથી ખેડૂતોમાં સિઝન દરમિયાન સારો વરસાદ અને પોતાના પાકની ઉપજ પણ સારા પ્રમાણમાં મળી રહેશે તેવી આશા બંધાઈ રહી છે. ઉપલેટા તાલુકાના આસપાસના ગામડાઓમાં પણ વરસાદ હોવાના સમાચાર મળી રહ્યા છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar