કાલાવડ તા.5 ( રાજુ રામોલિયા) કાલાવડ તાલુકાના મોટા વડાલા ગામના વાડી વિસ્તારમાં સગર્ભા યુવ પ્રસૂતિની પીડા થવાથી 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને જાણ કરાતા 108ની ટીમ વાડી વિસ્તારમાં ગઇ હતી. પરંતુ યુવતીના ઘર સુધી પહોંચે તેવી સ્થિતિ ન હોવાથી યુવતીને ખાટલામાં એમ્બ્યુલન્સ સુધી લઇ જાય તે પહેલાં જ રસ્તામાં સફળ ડિલેવરી કરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ હાલારમાં ચોવીસ કલાકથી વરસાદી માહોલ વચ્ચે જામનગર જિલ્લામાં સામાન્ય ઝાપટાથી ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલમાં ગ્રામ્ય વિસ્તાર કાચા રસ્તાઓમાં વાહન જવા માટે મુશ્કેલ બની જાય છે. આવા કપરા સમયમાં પણ જામનગરની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ટીમે કાબીલેદાદ કામગીરી બજાવી હતી.
જેમાં કાલાવડ તાલુકાના મોટા વડાલા ગામના વાડી વિસ્તારમાં રહેતાં મંજુબેન ને સફળ રીતે ડિલિવરી કરાવવી છે. મંજુબેન ભુરીયા (ઉ.વ.26) નામની સગર્ભા પરિણીતાને પ્રસૂતિની પીડા થવાથી પરિવાર દ્વારા 108 ઇમરન્જસી એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આથી નીકાવા જીજે18 જીસીઓ0383નંબરની એમ્બ્યુલન્સના પાઇલોટ પારસભાઇ ગોહેલ અને ઇએમટી વર્ષા બા ની ટીમ લોકેશન પર પહોંચવા નીકળી ગયા હતા
ત્યારબાદ 108 એમ્બ્યુલન્સની ટીમ વાડી વિસ્તારમાં ગયા બાદ કાચો રસ્તો અને પાણી ભરાયેલું હોવાથી યુવતીના ઘર સુધી પહોંચે તેવી સ્થિતિ ન હોવાથી 108ની ટીમે પરિસિ્થતિની ગંભીરતા સમજીને ટીમ ચાલીને સગર્ભાના ઘરે પહોંચી ત્યાંથી સગર્ભાને ખાટલામાં લઇને બહાર આવી હતી.
ટીમે એમ્બ્યુલન્સ સુધી લઇ આવી પરિસિ્થતિ જોઇને ત્યાં સ્થળ ઉપર જ યુવતીની સફળ પ્રસૂતિ કરાવી સરાહનીય કામગીરી કરી હતી. આવી કપરી પરિસિ્થતિમાં ત્વરિત નિર્ણયશક્તિના આધારે સગર્ભા યુવતીની સફળ ડિલિવરી કરવા માટે યુવતી તથા તેના પરિવારજનો દ્વારા 108ની સરાહનીય કામગીરી સબબ આભાર વ્યક્ત કરાયો હતો.

