►પોલીસમાં અરજી કરતા રૂ.1.40 લાખ કંપનીમાં જમા કરાવી રૂ.3.60 લાખની ઠગાઈ આચરી: ગાંધીગ્રામ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
રાજકોટ. તા.02
સીએમએસ કંપનીમાં કેશિયર (કસ્ટોડીયલ) તરીકે કામ કરતા શખ્સે બંજરગવાડી એટીએમમાં રૂ.5 લાખ જમા નહીં કરાવી ઓળવી ગયો હતો. જે અંગે પોલીસમાં અરજી કરતા રૂ.1.40 લાખ પરત આપી દીધા હતાં.
પરંતુ બાકી રહેતી રકમ રૂ. 3.60 લાખ પરત ન આપી ઠગાઈ આચરતાં કંપનીના મેનેજરે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બનાવ અંગે એરપોર્ટ રોડ પર જયગીત સોસાયટી શેરી નં.1 માં રહેતા લક્ષ્મણપ્રસાદ મનીરામ શર્મા (ઉ.વ. 37) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કાર્તિક પ્રદીપ વ્યાસ (ઉ.વ.19 રહે. હાલ જામનગર, મૂળ કોડીનાર)નું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ રાજકોટમાં એરપોર્ટ ફાટક પાસે બીઓબી સોસાયટીમાં જૈન દેરાસર નજીક સીએમએસ ઇન્ફો સિસ્ટમ લિમિટેડ કંપનીમાં બ્રાન્ચ મેનેજર તરીકે નોકરી કરે છે.
કંપની દરેક સરકારી અને પ્રાઇવેટ બેંકમાંથી રૂપિયા લઇ તે રૂપિયા જે તે બેંકના એટીએમ મશીનમાં લોડ કરવાનું તથા એટીએમ મશીનમાં લોડ ન થયેલા રૂપિયા બેંકમાં જમા કરાવવાનું કામ કરે છે. ઓફિસમાં કુલ 90 વ્યક્તિઓનો સ્ટાફ છે. એટીએમમાં કેશ જમા કરાવવા માટે ગનમેન, ડ્રાઇવર તથા બે (કેશિયર) કસ્ટોડિયન વ્યક્તિઓ સાથે રહેતા હોય છે આરોપી કાર્તિક કસ્ટડીયન તરીકે નોકરી કરતો હતો.
ગઈ તા.8 ના સવારના 11 વાગ્યા આસપાસ ઓફિસ ખાતે એટીએમ લોડ કરવા માટે એક ગાડીમાં સ્ટાફ જતો હતો તે સમયે કાર્તિક નોકરી પર આવ્યો ન હોવાની જાણ થતા તેને આ બાબતે પૂછતા તેણે કહ્યું હતું કે, મારા માતાની તબિયત સારી નથી એટલે નોકરી પર નહીં આવું. જેથી તેને એટીએમની ચાવી બાબતે પૂછતા ઓફિસમાં રાખી હોવાનું કહ્યું હતું. બાદમાં કાર્તિકની જગ્યાએ કસ્ટોડિયન તરીકે પરસોતમ છાસિયાને મોકલ્યો હતો.
બપોરના દોઢ એક વાગ્યા આસપાસ પરસોતમનો મેનેજરને ફોન આવ્યો હતો કે, બજરંગવાડી મેઈન રોડ પર આવેલ એસબીઆઇના એટીએમ મશીનમાં કોમ્પ્યુટર સિસ્ટમ મુજબ રૂ.8.64 લાખ રોકડ છે. પરંતુ એટીએમ મશીનમાં રોકડ રૂપિયાની ગણતરી કરતા રૂ.3.64 લાખ જ છે અને રૂ.5 લાખ રોકડની ઘટ આવે છે.
આ બાબતે મેનેજરે કાર્તિકને ફોન કરી બજરંગવાડી એટીએમ મશીનમાં કોમ્પ્યુટર સિસ્ટમ મુજબ પાંચ લાખની ઘટ આવે છે તે પૈસા ઓછા નાખ્યા છે કે કેમ? તેમ પૂછતા કાર્તિકે કહ્યું હતું કે, બજરંગવાડી એટીએમ મશીનના પૈસા ભૂલથી બીજા એટીએમમાં નાખી દીધા હશે તેમ કહી ગોળ ગોળ જવાબ આપ્યો હતો. બાદમાં કાર્તિકના રૂટમાં આવતા તમામ એટીએમ મશીનનું ઓડિટ કરાવ્યું હતું પરંતુ કોઈ એટીએમમાં વધારે પૈસા જમા થયા ન હતા.
જેથી ફરી કાર્તિકને ફોન કરતા ગોળ ગોળ જવાબ આપી ફોન સ્વીચ ઓફ કરી નાખ્યો હતો. કાર્તિકની માતાને પૂછતા તેણે કહ્યું હતું કે, કાર્તિક ઘરે આવ્યો નથી બાદ આ બાબતે કાર્તિક વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
આ અરજી કર્યા બાદ કાર્તિક કંપનીમાં રૂ.1.40 લાખ જમા કરાવી ગયો હતો. જેથી ઓડિટ રિપોર્ટ મુજબ કંપનીમાં કસ્ટોડિયન (કેશિયર) તરીકે કામ કરનાર કાર્તિકે બજરંગવાડી એટીએમ મશીનમાં કોમ્પ્યુટર સિસ્ટમ મુજબ રૂ.8.64 લાખ હોવા જોઈતા હતા પરંતુ તે એટીએમમાં પાંચ લાખની ઘટ આવતી હોય જે પાંચ લાખ તે ઓળવી ગયો હોય જેમાંથી 1.40 લાખ કંપનીમાં જમા કરાવી બાકીના 3.60 લાખ પરત ન આપી વિશ્વાસઘાત કરતાં ફરિયાદ નોંધાવી છે. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે આરોપીને પકડી રોકડ રિકવર કરવા તજવીજ આદરી હતી.

