Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ખાંડના ભાવવધારા પાછળ ખેલ! E20 પેટ્રોલ કેટલુ જવાબદાર?

ખાંડના ભાવવધારા પાછળ ખેલ! E20 પેટ્રોલ કેટલુ જવાબદાર?

વી દિલ્હી તા, 22 તહેવારોની મોસમ આંગણે આવીને ઊભી છે ત્યારે જ રસોડાની સૌથી મહત્વની વસ્તુ એવી ખાંડ ગૃહિણીઓ અને સામાન્ય માણસનું બજેટ બગાડી રહી છે. છેલ્લાં કેટલાક દિવસોથી બજારમાં ખાંડના ભાવ એ રીતે વધી રહ્યા છે કે લોકો દંગ રહી ગયા છે.

સરકારી ડેટા અનુસાર માત્ર એક જ અઠવાડિયામાં ખાંડના ભાવમાં 9 ટકાનો વધારો થયો છે, જ્યારે તમારા ઘર નજીકની કરિયાણાની દુકાને કે મોટા શહેરોના રીટેલ માર્કેટમાં તો આ વધારો 24 ટકાથી લઈને 51 ટકા સુધી પહોંચી ગયો છે.

હોલસેલ માર્કેટમાં પણ ખાંડના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 7000ની નજીક છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે સરકારે ગાડીઓના ઇંધણ એટલે કે પેટ્રોલમાં ભેળવવા માટે ઈથેનોલ બનાવવામાં ખાંડ વાપરી નાખી, એટલે દેશમાં ખાંડ મોંઘી થઈ ગઈ! પણ શું આ વાતમાં કોઈ દમ છે? આખી રમત શું છે તેનો આ રહ્યો ગ્રાઉન્ડ રિપોર્ટ.

◙ દાયકા પછી વિદેશથી ખાંડ મંગાવવી પડી
સ્થિતિ એટલી ગંભીર બની છે કે ભારત સરકારે બજારમાં ખાંડનો પુરવઠો જાળવી રાખવા માટે 10 લાખ ટન કાચી ખાંડ ઈમ્પોર્ટ એટલે કે આયાત કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.

ભારત સામાન્ય રીતે ખાંડની આયાત પર 100 ટકા કસ્ટમ ડ્યુટી (ટેક્સ) લગાવે છે જેથી બહારની ખાંડ દેશમાં ન આવે. પરંતુ આ વખતે સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે ઝીરો ડ્યુટી પર આયાતની મંજૂરી આપી છે. બંદર પર આવેલી રિફાઇનરીઓને પણ 3 લાખ ટન ખાંડ બહાર દેશમાં વેચવાને બદલે ભારતીય બજારમાં જ વેચવાના આદેશ આપી દેવાયા છે.

◙ સંગ્રહખોરી મોટુ કારણ
સામાન્ય રીતે જ્યારે ભાવ વધે ત્યારે લોકો માને છે કે દેશમાં માલ ખૂટી ગયો છે. પરંતુ સરકાર અને ખાંડ ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે દેશમાં ખાંડની કોઈ વાસ્તવિક અછત નથી. તો પછી ભાવ કેમ વધ્યા?

એનું મોટું કારણ છે વેપારીઓની દાનત અને સંગ્રહખોરી. જુલાઈ મહિનામાં જ્યારે ખાંડના ભાવ થોડા વધવાનું શરૂ થયું, ત્યારે મોટા વેપારીઓ અને સ્ટોકિસ્ટોએ ભાવ હજુ વધુ વધશે એવી લાલચે માલ દબાવી રાખ્યો.

એટલું જ નહીં, ઘણી જગ્યાએ તો ફેક્ટરીમાંથી ખાંડ બહાર કાઢ્યા વગર માત્ર કાગળ પર જ સોદા કરીને બજારમાં "ખાંડ ખૂટી ગઈ છે" તેવો કૃત્રિમ માહોલ ઊભો કરવામાં આવ્યો. આ કાળાબજારી રોકવા સરકારે હવે હોટલો, બિસ્કિટ કંપનીઓ અને મોટા વેપારીઓ માટે 15 દિવસથી વધુનો સ્ટોક રાખવા પર કડક મર્યાદા મૂકી દીધી છે.

◙ હવામાનની બેવડી માર : શેરડીનો પાક ધોવાયો
આ વખતે ખાંડ ઉદ્યોગનું ગણિત બગાડવામાં હવામાનનો બહુ મોટો હાથ છે. સીઝનની શરૂઆતમાં પડેલાં ભારે વરસાદે શેરડીના ખેતરોને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ જ્યારે પાકને પાણીની જરૂર હતી ત્યારે પૂરતો વરસાદ ન પડ્યો.

પરિણામે, ખેતરોમાંથી મિલો સુધી અપેક્ષા કરતાં ઘણી ઓછી શેરડી પહોંચી. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ઘણી સુગર મિલો પાસે શેરડી જ ન બચતાં ફેક્ટરીઓ સમય કરતાં ઘણી વહેલી બંધ કરી દેવી પડી હતી.

આ સિવાય યુપીના ઘણા ખેડૂતોએ મિલોને બદલે નાના યુનિટોને શેરડી વેચી દીધી કારણ કે તેઓ રોકડા અને વધુ ભાવ આપતાં હતાં. આ બધા કારણે ખાંડનું ઉત્પાદન ધારણા કરતાં ઘણું ઓછું થયું.

◙ હવે અસલી પ્રશ્ન : શું તમારી ગાડીના ઈથેનોલે ખાંડ મોંઘી કરી?
આજના સમયે દેશમાં સરકારી નીતિ મુજબ પેટ્રોલમાં 20 ટકા સુધી ઈથેનોલ ભેળવવામાં આવે છે, જે શેરડીના રસ કે મોલાસીસમાંથી બને છે. લોકોનું માનવું છે કે સરકારે ગાડીઓ ચલાવવા માટે ઈથેનોલ બનાવવામાં ખાંડનો ઉપયોગ કરી નાખ્યો, એટલે ખાંડના ભાવ વધી ગયા!

પરંતુ સરકારે આ વાતને તદ્દન પાયાવિહોણી ગણાવી છે. કેન્દ્રીય મંત્રાલયનાં આંકડા કહે છે કે આ સીઝનમાં કુલ ખાંડના માત્ર 10 ટકા (આશરે 30 લાખ ટન) હિસ્સો જ ઈથેનોલ માટે વપરાયો છે.

ગત વર્ષે તો 12 ટકા હિસ્સો વપરાયો હતો! એટલે કે આ વખતે ઈથેનોલ માટે ઓછી ખાંડ વપરાઈ છે. બીજું મહત્વનું કારણ એ છે કે હવે દેશમાં બનતું 75 ટકા ઈથેનોલ શેરડીમાંથી નહીં પણ મકાઈ અને ખરાબ અનાજમાંથી બને છે. એટલે કાર કે બાઇકના ફ્યુઅલને કારણે ખાંડ મોંઘી થઈ નથી.

◙ નિકાસની ઉતાવળ અને ગણતરીની ભૂલ
સમસ્યા એ થઈ કે સીઝનની શરૂઆતમાં સરકારને એમ હતું કે આ વખતે દેશમાં ખૂબ શેરડી પાકશે! આ ભ્રમમાં ને ભ્રમમાં સરકારે નવેમ્બર અને ફેબ્રુઆરી મહિનામાં થઈને આશરે 20 લાખ ટન ખાંડ વિદેશમાં વેચવાની (નિકાસ કરવાની) મંજૂરી આપી દીધી.

પણ જ્યારે ખેતરોમાંથી પાક ઓછો નીકળ્યો ત્યારે સરકારને પોતાની ભૂલ સમજાઈ અને મે મહિનામાં નિકાસ પર તાત્કાલિક બેન લગાવી દીધો. પણ ત્યાં સુધીમાં તો 7 લાખ ટન ખાંડ દેશની બહાર જતી રહી હતી!

આ 7 લાખ ટન ખાંડ એટલે ભારતનો આશરે 9 દિવસનો વપરાશ. જો આ ખાંડ દેશમાં જ રહી હોત, તો અત્યારે તહેવારો ટાણે ભાવમાં જે આંચકો આવ્યો છે તે કદાચ ન આવ્યો હોત.

◙ 30 વર્ષની સૌથી નીચલી સપાટીએ પહોંચશે સ્ટોક
આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઇટર્સના રિપોર્ટ અનુસાર, જ્યારે 1 ઓક્ટોબરથી ખાંડની નવી સીઝન શરૂ થશે ત્યારે દેશની સુગર મિલો પાસે બચેલો અનામત જથ્થો ઘટીને માત્ર 3.5 મિલિયન ટન રહી જશે.

આ આંકડો છેલ્લાં 30 વર્ષ એટલે કે ત્રણ દાયકાની સૌથી નીચી સપાટીએ છે! દેશમાં વાર્ષિક 283 લાખ ટન ખાંડ વપરાય છે અને આ વખતે ઉત્પાદન માંડ 280 થી 306 લાખ ટન આસપાસ રહ્યું છે. મતલબ કે દેશ પાસે વપરાશ પૂરતી ખાંડ છે ખરી, પણ જો અચાનક માંગ વધી જાય તો સામે બચાવ માટે વધારાનો સ્ટોક બહુ ઓછો છે.

◙ આગામી દિવસોમાં શું થશે? શું ભાવ ઘટશે?
અત્યારે સરકારે બે મોરચે કામ શરૂ કર્યું છે. એક તો વિદેશથી 10 લાખ ટન કાચી ખાંડ ઝીરો ડ્યુટી પર મંગાવવામાં આવી રહી છે અને બીજું, વેપારીઓ પર સ્ટોક લિમિટના કડક નિયમો લાદી દેવાયા છે જેથી સંગ્રહખોરો માલ બહાર કાઢવા મજબૂર બને.

આ સિવાય દરિયાકાંઠાની રિફાઇનરીઓ પાસે પડેલી 3 લાખ ટન ખાંડ પણ તુરંત સ્થાનિક બજારમાં ઠાલવવામાં આવી રહી છે. નિષ્ણાતોના મતે, આ પગલાંથી બજારમાં ખાંડનો પુરવઠો વધશે અને તહેવારો શરૂ થાય તે પહેલાં ભાવ ફરી કંટ્રોલમાં આવી જશે. એટલે ગૃહિણીઓએ ચિંતા કરવાની જરૂર નથી, મોંઘવારીનો આ ડંખ ટૂંક સમય માટે જ છે!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar