રાજકોટ. તા.02 અવારનવાર વિવાદમાં રહેતાં મીરા દે એ ફરીવાર માથાકૂટ કરતાં આંતરિક વિવાદ સપાટીએ આવ્યો છે. થોડા મહિનાઓ પૂર્વે જ કિન્નરોના જૂથએ સામુહિક રીતે આપઘાતનો પ્રયાસ કર્યા બાદ સામસામે બંને પક્ષે ગુના નોંધાયા હતા. ત્યાં વધુ એક વાર કિન્નરોના બે જૂથ વચ્ચે માથાકૂટ થવા પામી છે. પેલેસ રોડ પર સ્કોર્પિયો કારમાં ધસી આવેલ મીરા દે અને મકસુદ શેખ નામના શખ્સે સમીરા દે નામના કિન્નર સાથે મારકૂટ કરી ખૂનની ધમકી આપી હતી.
જે મામલે એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
બનાવ અંગે રામનાથપરામાં જુમ્મા મસ્જિદ નજીક બોઘાણી શેરીમાં રહેતા 20 વર્ષીય કિન્નર સમીરા દે ગોપી દે એ આરોપી તરીકે મકસુદ સબીર શેખ અને મીરા દે નું નામ આપી જણાવ્યું હતું કે, તેમના ગુરુનુ નામ ગોપી દે છે.
છેલ્લા બે વર્ષથી ગોપી દે સાથે રહે છે. ગઈકાલે સાડા ચાર વાગ્યે તે અને ખુશ્બુ દે અમનભાઇની રીક્ષા નં.જીજે-36-બી-5412 માં અડધા દીવસનુ ભાડુ રૂ.600 નક્કી કરી જ્યુબેલી ચોકથી રીક્ષામા બેસી કોઠારીયા રોડ, હુડકો પોલીસ ચોકી પાસે, આહીર ચોક બાજુ જતાં હતા. દરમિયાન પાંચ વાગ્યાની આસપાસ પેલેસ રોડ પર રામ-શ્યામ ગોલા પાસે પહોચતા રીક્ષાની આગળ એક કાળા કલરની સ્કોર્પિયોના ચાલકે કાર આડી નાખી રીક્ષા ઉભી રખાવેલ હતી. જે કારમાંથી મકસુદ શેખ ઉતર્યો હતો અને રીક્ષા ચાલક અમનભાઈ તેમજ તેઓને ગાળો આપવા લાગેલ હતો.
ત્યાર બાદ મીરા દે કારમાંથી ઉતરી હતી અને કહેવા લાગેલ કે, હુ તમને બંનેને બે દીવસમા જોઇ લઇશ. બાદમાં ગાળો આપી ઝપાઝપી કરી ધક્કો માર્યો હતો. જેથી રીક્ષા સાથે ભટકાયેલ હતી. બાદ બંને ધોલધપાટ કરવા લાગેલ હતા, હુ તને બે દીવસમા તારા ઘરે આવી જાનથી મારી નાખીશ તેમ ધમકી આપેલ હતી. દરમિયાન ખુશ્બુ દે છોડાવવા વચ્ચે પડી હતી.
આસપાસના લોકો એકત્રિત થઇ જતાં બંને શખ્સો સ્કોર્પિયો કાર લઈને નાસી ગયેલ હતા. જે મામલે સમીરા દેએ ફરિયાદ આપતાં એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આદરી હતી.

