નવી દિલ્હી, તા.5 ભારતીય શેરબજારના નિયામક સેબીએ દેશનાં મોટા સ્ટોક બ્રોકર્સ સાથે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકનો મુખ્ય હેતુ તાજેતરમાં શરૂ કરાયેલાં ક્લોઝિંગ ઓક્શન સેશન (CAS) ની અમલવારી દરમિયાન સામે આવેલી સમસ્યાઓની સમીક્ષા કરવાનો છે. સેબી ખાસ કરીને એ જાણવા માંગે છે કે બ્રોકર્સની એપ્સ પર ઓક્શન દરમિયાન અંદાજિત ભાવ યોગ્ય રીતે કેમ દર્શાવવામાં નહોતો આવ્યો.
આ બેઠક સ્ટોક એક્સચેન્જો દ્વારા બ્રોકર્સ સાથે કરવામાં આવેલી ચર્ચા પછી યોજાઈ રહી છે. નિયામક આ નવી પદ્ધતિ લાગું કરતી વખતે રોકાણકારો અને ટ્રેડર્સને પડેલી તકલીફો અંગેનો પ્રતિસાદ મેળવવા માંગે છે. સેબીનો ઉદ્દેશ્ય બજારમાં શેરનો આખરી બંધ ભાવ નક્કી કરવાની આ નવી પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવાનો છે.
બેઠક દરમિયાન સેબી બ્રોકર્સને તેમની ટ્રેડિંગ એપ્લિકેશન્સ પર અંદાજિત ઓક્શન કિંમતો યોગ્ય અને સ્પષ્ટ રીતે દર્શાવવા સૂચના આપશે. આ ઉપરાંત, ટ્રેડર્સને લાસ્ટ ટ્રેડેડ પ્રાઈઝ (LTP) અને ઓક્શન દ્વારા નક્કી થતાં આખરી ક્લોઝિંગ પ્રાઈઝ વચ્ચેનો તફાવત બરાબર સમજાય તે માટે રોકાણકાર જાગૃતિ કાર્યક્રમો વધારવા પર ભાર મૂકવામાં આવશે.
આ ચર્ચામાં ક્વોલિફાઇડ સ્ટોકબ્રોકર્સ (QSBs) તરીકે ઓળખાતા દેશનાં સૌથી મોટા બ્રોકર્સ ભાગ લઈ રહ્યાં છે, જેમની પાસે મોટો ગ્રાહક આધાર અને ટ્રેડિંગ વોલ્યુમ છે. દેશનાં મોટાભાગનાં રિટેલ રોકાણકારો આ જ પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરે છે, તેથી ઓક્શન સમયગાળા દરમિયાન તેમને સમયસર સાચી માહિતી મળવી અત્યંત જરૂરી છે.
CAS ના અમલના પહેલાં બે દિવસોમાં ટ્રેડર્સ વચ્ચે ભારે ગૂંચવાડો જોવા મળ્યો હતો. બ્રોકર એપ્સ પર દર્શાવાતો છેલ્લો ભાવ અને ઓક્શન પદ્ધતિથી નક્કી થયેલો અધિકૃત બંધ ભાવ-આ બંને વચ્ચે મોટો તફાવત જોવા મળ્યો હતો. આ અચાનક થયેલાં ભાવફેરફારને કારણે રોકાણકારોમાં ચિંતા ઊભી થઈ હતી.
નવા CAS માળખા અનુસાર, કેશ માર્કેટમાં સામાન્ય ટ્રેડિંગ બપોરે 3ઃ15 વાગ્યે પૂરું થાય છે. ત્યારબાદ 15 મિનિટનું 'ક્લોઝિંગ ઓક્શન સેશન' યોજાય છે. આ સમય દરમિયાન ઓર્ડર ઉમેરી, સુધારી કે રદ કરી શકાય છે, પરંતુ સતત ટ્રેડિંગ થતું નથી. સેશનના અંતે તમામ ખરીદ-વેચાણના ઓર્ડર્સ એક સરખા સંતુલિત ભાવ પર મેચ
થાય છે, જે શેરનો આખરી બંધ ભાવ બને છે.
ઓક્શન સમયગાળા દરમિયાન કેશ અને ડેરિવેટિવ્ઝ (FO) માર્કેટના ભાવો વચ્ચે પણ અસ્થાયી તફાવત જોવા મળ્યો હતો. બ્રોકર એપ્સ પર અંદાજિત ભાવ ન દેખાવાને કારણે ટ્રેડર્સ માટે બંધ ભાવ સમજવો મુશ્કેલ બન્યો હતો. પરિણામે, કેટલાક બ્રોકર્સે પોતાનાં ગ્રાહકોને જોખમથી બચવા માટે બપોરે 3ઃ00 વાગ્યા પહેલાં જ ઇન્ટ્રાડે પોઝિશન સ્ક્વેર ઓફ (બંધ) કરી દેવાની સલાહ આપી હતી.
CAS ફ્રેમવર્કમાં કોઈ ફેરફાર કે સમીક્ષા કરવાનો પ્લાન નથી : સેબી
નવી ક્લોઝિંગ ઓક્શન સિસ્ટમ યોગ્ય હોવાનો દાવો
નવી દિલ્હી, તા.5
શેરબજારના નિયામક સેબીએ સ્પષ્ટ કર્યું છે કે `ક્લોઝિંગ ઓક્શન સેશન' (CAS) ની નવી પદ્ધતિમાં કોઈ ફેરફાર કરવાનો, તેની સમીક્ષા કરવાનો કે તેને બંધ કરવાનો કોઈ જ વિચાર નથી. સેબીના સૂત્રો મુજબ, નવી CAS સિસ્ટમની ડિઝાઇન, હેતુ અને તેની કામગીરી સંપૂર્ણપણે યોગ્ય છે અને તેમાં કોઈ સમસ્યા નથી.
આ સાથે જ સેબીએ તમામ સ્ટોક બ્રોકર્સને આગ્રહ કર્યો છે કે તેઓ સામાન્ય (રિટેલ) રોકાણકારોને આ સિસ્ટમ વિશે માહિતગાર કરે જેથી CAS માળખામાં તેમની ભાગીદારી વધારી શકાય.
આ સ્પષ્ટતા એવા સમયે આવી છે જ્યારે વાયદા બજાર (FO) ના શેરો માટે લાગું કરાયેલી આ નવી ઓક્શન પદ્ધતિ બાદ નિફ્ટી અને સેન્સેક્સના બંધ ભાવમાં તફાવત જોવા મળ્યો હતો. મોટા સંસ્થાકીય રોકાણકારો ઓક્શન સમયગાળા દરમિયાન મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોવાથી શરૂઆતનાં દિવસોમાં આ ફેરફાર દેખાયો હતો,
જેને નિષ્ણાતો શરૂઆતની સામાન્ય મુશ્કેલી ગણાવી રહ્યાં છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના જણાવ્યાં મુજબ, પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ટ્રેડર્સે અને ગ્રાહકોએ આમાં ભાગ લીધો હતો અને સમય જતાં બજારનાં તમામ ટ્રેડર્સ આ નવી સિસ્ટમથી સંપૂર્ણપણે ટેવાઈ જશે.

