રાજકોટ. તા.22 એસઓજીની ટીમે માદક પદાર્થનું સેવન અને હેરફેર કરનાર સામે ધોંસ બોલાવ્યા બાદ હવે સ્થાનિક પોલીસ દ્વારા પણ માદક પદાર્થનો વેપલો કરનાર પેડલરો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કુવાડવા રોડ પોલીસ મથકના સ્ટાફે કુવાડવા ગામ ભીમેશ્વર મહાદેવના મંદિર પાસેથી કુવાડવામાં જ રહેતા બીપીનગીરી ગોસાઈ લને ગાંજાના જથ્થા સાથે ઝડપી લીધો હતો.
આ શખસ કોની પાસેથી ગાંજો લાવ્યો હતો? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
દરોડાની વિગત મુજબ, કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એ.એન. જાનીની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.બી. જાડેજા, એએસઆઈ કે.વી. જાડેજા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન એવી હકીકત મળી હતી કે, કુવાડવા ગામ પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં આંટાફેરા કરી રહ્યો છે અને તેની પાસે માદક પદાર્થનો જથ્થો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમ તાકીદે દરોડો પાડ્યો હતો. પોલીસે તેની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ બીપીનગીરી સોમપરી ગોસાઇ (ઉ.વ. 58 રહે. કુવાડવા ગામ મેઇન બજાર મહેશ ડેરીની સામે) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે આ શખ્સની અંગજડતી લેતા તેની પાસેથી રૂપિયા 13,150 ની કિંમતનો 267 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ગાંજાનો જથ્થો, બે મોબાઈલ ફોન સહિત રૂપિયા 23,150 નો મુદ્દામાલ કબજે કરી આ શખસ વિરુદ્ધ એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. માદક પદાર્થના જથ્થા સાથે ઝડપાયેલો આ શખસ ગાંજો કોની પાસેથી લાવ્યો હતો? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

