રાજકોટ, તા.7 નૈઋત્ય ચોમાસાનાં આગમન સાથે જ મહારાષ્ટ્રના મુંબઈમાં મેઘરાજાએ મહાતાંડવ કરતા મહારાષ્ટ્ર-ગુજરાત સૌરાષ્ટ્ર વચ્ચે ટ્રેન અને હવાઈ સેવાને માઠી અસર પડી છે. મુંબઈથી ગુજરાત તરફ આવતી અને રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- ગુજરાત તરફથી મુંબઈ જતી અનેક ટ્રેનો ભારે વરસાદને કારણે થંભી જતા રદ કરવામાં આવતા હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
મહારાષ્ટ્રના મુંબઈમાં ગઈકાલે ભારે વરસાદના પગલે સૌરાષ્ટ્ર-ગુજરાત તરફથી જતી ટ્રેનો અધવચ્ચે જ ટ્રેક ઉપર પાણી ભરાતા થંભાવી દેવામાં આવી હતી. જેમાં રાજકોટ ડિવિઝનની ગઈકાલે દાદર-પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ, બાંદ્રા ટર્મિનલ-વેરાવળ જનતા એકસપ્રેસ, હાપા-મુંબઈ સેન્ટ્રલ દુરંતો એકસપ્રેસ, મુંબઈ સેન્ટ્રલ-હાપા દુરંતો એકસપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી હતી.
આજે મંગળવારે પણ દાદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ, વેરાવળ-બાંદ્રા ટર્મિસલ સૌરાષ્ટ્ર જનતા, પોરબંદર-દાદર એકસપ્રેસ, ભાવનગર ટર્મિનલ- આસનસોલ એકસપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે.
રાજકોટ, વેરાવળ અને ભાવનગર, પોરબંદરથી મુંબઈ જતી 4 ટ્રેનોને આજે પણ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદથી મુંબઈ જતી અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. મુંબઈમાં ભારે વરસાદના પગલે મહારાષ્ટ્ર-ગુજરાત વચ્ચેના રેલ્વે ટ્રેકમાં પાણી ભરાતા ટ્રેન વ્યવહાર ખોરવાઈ જવા પામ્યો છે. પશ્ચિમ રેલવે દ્વારા હેલ્પલાઈન નં.139 ઉપર ટ્રેનની સ્થિતિ, ટ્રેનની લગતી માહિતી ઉપલબ્ધ કરવામાં આવી રહી છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહાર ખોરવાતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના અનેક મુસાફરો હેરાન પરેશાન થઈ રહ્યા છે. અમુક મુસાફરો બાય રોડ ખાનગી પરિવહનથી મુંબઈ જવા રવાના થઈ રહ્યા છે.

