Dailyhunt
મમતાની જીત નિશ્ચિત : સ્ટાલીન હારે છે : કેરળમાં સી.એમ. વિજયને લીડ મેળવી : અભિનેતા વિજય પણ તામીલનાડુમાં જીતે છે

મમતાની જીત નિશ્ચિત : સ્ટાલીન હારે છે : કેરળમાં સી.એમ. વિજયને લીડ મેળવી : અભિનેતા વિજય પણ તામીલનાડુમાં જીતે છે

કોલકત્તા, તા.4 પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભવાનીપુર બેઠક લડી રહેલા મુખ્યમંત્રી મમતા બેનર્જીની જીત નિશ્ચિત બની ગઇ છે. આ બેઠક પર તેમની સામે ભાજપના સુવેન્દુ અધિકારીએ એક તબકકે 1500 મતની લીડ મેળવી લીધી હતી તેથી નંદીગ્રામવાળી થવાની શક્યતા હતી પરંતુ મમતાએ તુર્ત જ ફરી એક વખત સરસાઇ સ્થાપી છે.

સાતમા રાઉન્ડના અંતે 17000થી વધુ મતે મમતા આગળ નીકળી ગયા છે અને હવે તેમની જીત નિશ્ચિત થઇ છે.

બીજી બાજુ કેરળમાં ચૂંટણી લડી રહેલા મુખ્યમંત્રી પી. વિજયન પ્રારંભમાં પાછળ રહ્યા બાદ તેઓએ ધર્મદમ બેઠક પર લીડ મેળવી લીધી છે.

જ્યારે તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલીન કોલાથુર બેઠક પર પાછળ ચાલી રહ્યા છે. આ જ રીતે અન્નાડીએમકેમાંથી ડીએમકેમાં ગયેલા પૂર્વ મુખ્યમંત્રી ઓ.પનીર સેલવ્વમ તામીલનાડુની બોડીનાયક્કનૂર બેઠક પર પાછળ છે.

સ્ટાલીનના પુત્ર ઉદયનિધિ સ્ટાલીન, ચેપોક બેઠક પર આગળ નીકળી ગયા છે. આસામમાં મુખ્યમંત્રી હેમંતા બિશ્વા સરમા પ્રારંભથી જ જાલુકબારી બેઠક પર વિજયના પંથે છે. કેરળમાં ભાજપના અગ્રણી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ નેમમ બેઠક પર આગળ છે.

તો પશ્ચિમ બંગાળમાં એક સમયે બાબરી મસ્જિદનો વિવાદ ઉભો કરનાર હુમાયુ કબીર રેજીનગર બેઠક પર પ્રારંભમાં પાછળ રહ્યા બાદ આગળ થઇ ગયા છે. સુવેંદુ અધિકારી જે મમતા બેનર્જી સામે ભવાનીપુર ઉપરાંત નંદીગ્રામમાં પણ ચૂંટણી લડી રહ્યા છે ત્યાં તેઓ સતત બીજી વખત વિજય મેળવે તેવા સંકેત છે.

અભિનેત્રી રૂપા ગાંગુલી પશ્ચિમ બંગાળમાં સોનારપુર બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ આગળ છે. આ જ રીતે કોલકત્તાના આરજી કર હોસ્પીટલ દુષ્કર્મકાંડમાં પીડિતાના માતા રત્ના દેવનાથ પાનીહાત બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે જીતી રહ્યા છે. આ જ રાજ્યમાં કોંગ્રેસના અધિરંજન ચૌધરી બહરામપુર બેઠક પર પાછળ છે.

જ્યારે તામિલનાડુમાં હવે મુખ્યમંત્રી પદના દાવેદાર અભિનેતા વિજય પણ તેમની બેઠક પર જીત મેળવશે તેવા સંકેત છે. આસામમાં કોંગ્રેસના મુખ્યમંત્રીના ચહેરા ગૌરવ ગોગોઇ હારના પંથે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar