(તસ્વીર/અહેવાલ : જીજ્ઞેશ પટેલ-માણાવદર)માણાવદર, તા.3 માણાવદરમાં વરસેલા ભારે વરસાદના કારણે સ્થાનિક વિસ્તારોમાં જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી અને આયોજનના અભાવને કારણે સ્થાનિક રહીશોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. શહેરની ગિરિરાજ સોસાયટીમાં વહીવટી તંત્રની ઘોર નિષ્ક્રિયતા સામે સ્થાનિકોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.
આ અંગે ગિરિરાજ સોસાયટીના રહીશ દીપક પટેલે વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, છેલ્લા 42 વર્ષના ઇતિહાસમાં ક્યારેય પણ તેમના વિસ્તારમાં કોઈના ઘરમાં પાણી ભરાયું નથી. ચોમાસાની શરૂઆત પહેલા જ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને આ બાબતે વારંવાર લેખિત અને મૌખિક અરજીઓ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા સમયસર કોઈ જ નક્કર પગલાં લેવામાં આવ્યા નહોતા. તંત્રની આ આળસ અને નિષ્ક્રિયતાનું પરિણામ આજે સ્થાનિક રહીશોએ ભોગવવું પડી રહ્યું છે.
તેમના જણાવ્યા મુજબ, ગિરિરાજ સોસાયટીના આશરે 25 થી 30 જેટલા ઘરોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે લોકોની ઘરવખરી અને સામાનને વ્યાપક આર્થિક નુકસાન પહોંચ્યું છે. આ વિસ્તારમાં મોટા પાયે થયેલા ગેરકાયદેસર દબાણો અને પુલના અયોગ્ય નિર્માણને કારણે પાણીના કુદરતી નિકાલના રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, જેને લીધે જ વરસાદી પાણી આગળ વધવાને બદલે લોકોના ઘરોમાં ઘૂસી ગયું છે.
માણાવદરમાં આજે બપોરે 2 થી 6 વાગ્યા દરમિયાન અંદાજે 7 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકતા ગિરિરાજ સોસાયટીમાં પાણી ભરાયા હતા. ઘટનાની જાણ થતાં જ માણાવદરના મામલતદાર મહેશ શુક્લ, મહેસૂલ વિભાગ, પોલીસ અને ફ્લડ કંટ્રોલની ટીમ સાથે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
તંત્ર દ્વારા સ્થળ પર નિરીક્ષણ કરીને પાણીના કુદરતી વહેણ પર થયેલા ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યા હતા. દબાણો હટાવીને રસ્તો સાફ કરાતા પાણીનો નિકાલ ઝડપથી શરૂ થયો છે અને સોસાયટીમાંથી પાણી ઓસરી રહ્યા છે. વરસાદનું જોર ઘટતાં હાલમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે અને સ્થિતિ સામાન્ય બની રહી છે.
► બાગ દરવાજા વિસ્તાર
શહેરના બાગ દરવાજા વિસ્તારમાં આવેલી દેકીવાડીયા શેરી નંબર 1માં તંત્રની ઘોર બેદરકારીને કારણે સ્થાનિક રહીશો નર્કાગાર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. ચોમાસા પૂર્વે ગટર સફાઈ કે નિકાલની કોઈ યોગ્ય કામગીરી ન થવાને કારણે સામાન્ય વરસાદમાં જ આખી શેરી અને ઘરોમાં 1 થી 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે.
સ્થાનિક રહીશ અશ્વિનભાઈ દેકીવાડીયાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું.
કે, ઘરોમાં પાણી ઘૂસી જવાને કારણે અનાજ, ફ્રિજ, ગાદલા સહિતની તમામ ઘરવખરી પલળી ગઈ છે અને મોટું આર્થિક નુકસાન થયું છે. આ ગંભીર સમસ્યા અંગે છેલ્લા કેટલાય વર્ષોથી નગરપાલિકામાં લેખિત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં નગરપાલિકાના પ્રમુખ કે ચીફ ઓફિસરના પેટનું પાણી હલતું નથી. અસહ્ય પરિસ્થિતિ વચ્ચે હવે તો અધિકારીઓ સ્થાનિકોના ફોન ઉપાડવાની પણ તસ્દી લેતા નથી.
તંત્રના આ અસહકાર સામે ભારે રોષ વ્યક્ત કરતા તેમણે કટાક્ષમાં જણાવ્યું કે, "જો તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવી શકતું ન હોય, તો અમને પાણીમાં આવા-જવા માટે એક હોડી (બોટ)ની સુવિધા કરી આપે."
આ જ શેરીમાં રહેતા ખુશ્બુબેન દેકીવાડીયાએ ઘરની વિગતો આપતા કહ્યું કે, ગટર સાફ ન થવાને કારણે ઘરમાં ચારેય બાજુ પાણી જ પાણી થઈ ગયું છે, જેના લીધે અત્યારે ઘરમાં બેસવાની પણ જગ્યા બચી નથી. તેમણે ભારે ચિંતા સાથે સવાલ ઉઠાવ્યો હતો કે, 'આ ધોધમાર વરસાદમાં હું મારા 7 વર્ષના નાના બાળકને લઈને અત્યારે ક્યાં જાઉં અને કોના ઘરે આશરો લઉં?'
► પ્રી-મોન્સૂન કામગીરીના ધજાગરા
ચોમાસાની હજુ તો શરૂઆત થઈ છે અને માત્ર બે ઈંચ જેટલો જ સામાન્ય વરસાદ પડ્યો છે, ત્યાં જ નગરપાલિકાની કહેવાતી પ્રી-મોન્સૂન (ચોમાસા પહેલાની) કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. શહેરના પ્રમુખ વિસ્તાર એવા પટેલ ચોક દરગાહ વાળી શેરીમાં પ્રથમ વરસાદે જ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
રામજીભાઈ પારગીએ નગરપાલિકા તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, પટેલ ચોક દરગાહ વાળી આખી શેરીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવાને કારણે અનેક વાહનો બંધ પડી ગયા છે. તંત્ર દ્વારા ચોમાસા પહેલાં કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. પાલિકા માત્ર ભ્રષ્ટાચાર કરીને પૈસા ખાય છે પણ જનતાની સમસ્યાના નિકાલ માટે એક રૂપિયો પણ વાપરતી નથી. તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે જો માત્ર બે ઈંચ વરસાદમાં આવી ગંભીર સ્થિતિ સર્જાતી હોય, તો આગળ જતાં જો 10 ઈંચ ભારે વરસાદ ખાબકશે તો આ પાણીનો નિકાલ ક્યાં થશે અને લોકોની હાલત કેવી થશે?
માણાવદર નગરપાલિકાના પૂર્વ સદસ્ય મેહુલ માણાવદરીયાએ જણાવ્યું કે, નગરપાલિકાની ઘોર બેદરકારીને કારણે પહેલા જ વરસાદમાં દરગાહવાળી શેરીમાં પૂર જેવા દ્રડયો સર્જાયા છે. પાણી ભરાવાને લીધે ત્યાંથી પસાર થતા નિર્દોષ વાહનચાલકો હેરાન થઈ રહ્યા છે અને સામાન્ય પ્રજા હાલાકી ભોગવી રહી છે. મેહુલભાઈએ તંત્રને નમ્ર અપીલ કરી છે કે પ્રજાના હિતમાં વહેલી તકે આ ગંભીર સમસ્યાનું યોગ્ય અને કાયમી નિવારણ લાવવામાં આવે.
આનંદભાઈ બગથરીયાએ તંત્રની ઉદાસીનતા પર પ્રકાશ પાડતા જણાવ્યું કે, પાણી ભરાઈ જવાની આ સમસ્યા કોઈ નવી નથી, ગયા વર્ષે પણ ચોમાસામાં આ જ પરિસ્થિતિ હતી. આ બાબતે અગાઉ પણ તંત્રને લેખિત-મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા હજી સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે ચાલુ વર્ષે પણ સામાન્ય વરસાદમાં જ આખી શેરી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

