Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મોંઘવારીનો માર : ગોંડલમાં ફોટોગ્રાફર - વિડીયો ગ્રાફર એસા. દ્વારા ચાર્જમાં 20 ટકાનો વધારો

મોંઘવારીનો માર : ગોંડલમાં ફોટોગ્રાફર - વિડીયો ગ્રાફર એસા. દ્વારા ચાર્જમાં 20 ટકાનો વધારો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા.7 ગોંડલ શહેરમાં અને તાલુકામાં વધતી જતી મોંઘવારીની અસર હવે મનોરંજન અને સ્મૃતિઓ સાચવવાના વ્યવસાય એટલે કે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પર પણ જોવા મળી રહી છે. તાજેતરમાં ગોંડલ ફોટોગ્રાફર અને વિડીયોગ્રાફર એસોસિએશન દ્વારા યોજાયેલી એક મહત્વપૂર્ણ બેઠકમાં સર્વાનુમતે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના કામકાજમાં 20% નો ભાવ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત તારીખ 3 જુલાઈ 2026 ના રોજ ગોંડલના 'વોક એન્ડ ઈટ' રેસ્ટોરન્ટ ખાતે ગોંડલ ફોટોગ્રાફર-વિડીયોગ્રાફર એસોસિએશનની તાલુકા લેવલની એક વિશેષ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા એસોસિએશનના વરિષ્ઠ સભ્યો અને અન્ય હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મીટિંગમાં મુખ્યત્વે હાલની પરિસ્થિતિમાં સતત વધી રહેલી મોંઘવારી અંગે ગહન ચર્ચા કરવામાં આવી હતી. વ્યવસાયિકોએ જણાવ્યું હતું કે: છેલ્લા કેટલાક સમયથી ફોટોગ્રાફીને લગતી તમામ એક્સેસરીઝ અને કેમેરાના સ્પેરપાર્ટ્સના ભાવોમાં તોતિંગ વધારો થયો છે.

ફોટો લેબમાં પણ ફોટો પ્રિન્ટિંગના દરો નોંધપાત્ર રીતે વધ્યા છે. આ તમામ આર્થિક પરિબળોને કારણે જૂના ભાવોએ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવી પોસાય તેમ ન હોવાથી, ઉપસ્થિત તમામ સભ્યોએ સર્વાનુમતે સંમતિ દર્શાવીને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીના ચાર્જમાં સીધો 20% નો વધારો કરવાનો નિર્ણય લીધો હતો.

એસોસિએશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આ 20 ટકાનો નવો ભાવ વધારો આગામી 1 ઓગસ્ટ, 2026 થી સત્તાવાર રીતે લાગુ કરવામાં આવશે. આ નિર્ણય બાદ હવે ગોંડલ પંથકમાં લગ્ન કે અન્ય કોઈપણ સામાજિક પ્રસંગોમાં ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરાવવા માટે લોકોએ પોતાના ખિસ્સા વધુ હળવા કરવા પડશે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar