(જીગ્નેશ દ્વારા) મોરબી તા. 7 મોરબીમાં આવેલ રામપ્રસાદ એપાર્ટમેન્ટમાં રહેતા આધેડની સાથે બોલાચાલી ઝઘડો કરી બે શખ્સોે માથાના ભાગે લાકડાના ધોકા મારીને તેમજ ધારિયા જેવુ હથિયાર પેટ અને હાથના ભાગે મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.
રવાપર ગામ નજીક રવાપર રેસીડેન્સી સામે આવેલ ધર્મ ભક્તિ સોસાયટીમાં રામપ્રસાદ એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહેતા રમેશભાઈ ત્રીકમજીભાઇ શેરસીયા (57)એ સંજય મોતીભાઈ રાજપરા અને મોતીભાઈ રાજપરા રહે.
બંને રામપ્રસાદ એપાર્ટમેન્ટ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે સંજયભાઈના ઘરે પાણી આવતું ન હતું જેથી ફરિયાદીએ પાણી આવશે ત્યારે બધાના ઘરે આવશે તેવું કહ્યું હતું.
જે આરોપીઓને સારું નહીં લાગતા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ રાત્રિના સમયે એપાર્ટમેન્ટની બહારના ભાગમાં શેરીમાં ફરિયાદી ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરીને સંજયભાઈએ ધોકાના ત્રણ ઘા ફરિયાદીને માથામાં માર્યા હતા.
જ્યારે મોતીભાઈએ ધારિયા જેવું હથિયાર ફરિયાદીને હાથ અને પેટમાં માર્યું હતું અને ઈજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા આધેડને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેઓએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
જુગાર
મોરબી તાલુકાના મકનસર ગામે બહુચર પાનની પાછળના ભાગમાં ખુલ્લા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા ધીરુભાઈ ભવનભાઈ થરેશા (47), મહેશભાઈ ધીરુભાઈ દેગામા (28), જીતેન્દ્રભાઈ ઉર્ફે જીતેનભાઈ નરસીભાઈ થરેસા (26), ચેતનભાઇ ચંદુલાલ ઘાટલિયા (30), જેન્તીભાઈ પરસોતમભાઈ ઝિંઝવાડીયા (45) અને વિજયભાઈ જગમાલભાઈ થરેસા (32) રહે. બધા મકાનસર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 11,150 ની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
વરલી જુગાર
વાંકાનેરના મિલ પ્લોટ ડબલ ચાલીના નાકા પાસે વરલી જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા નરેશ પ્રેમજીભાઈ બાવળીયા (40) રહે. ડબલ ચાલી મીલ પ્લોટ વાંકાનેર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 2220 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

