(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.3 ચોટીલા સબ ડિવિઝનમાં ગેરકાયદેસર કોલસા ખનન સામે કડક કાર્યવાહી ચાલુ છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં સતત રાત્રિ ચકાસણી અને દેખરેખ રાખવામાં આવી રહી છે.
અગાઉ, ચોટીલા સબ ડિવિઝન હેઠળના મૂળી અને થાનગઢ તાલુકાના રાણીપાટ, ભેટ, જામવાળી, વેલાળા, નળખંભા, અસુંદરાળી, ખમપાળીયા, ઉમરાડા, ભાડુલો, થાન, ગુગલિયાણા, શેખરડી, ખારાવાળી, ખાખરાથલ સહિતના વિસ્તારોમાં આવેલા તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓ કાયમી ધોરણે બંધ કરાવવામાં આવ્યા હતા.
ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ફરીથી શરૂ ન થાય તે સુનિશ્ચિત કરવા માટે, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ 29 જૂનથી 2 જુલાઈ, 2026 દરમિયાન સતત ત્રણ દિવસ સુધી દરરોજ રાત્રિના સમયે સંબંધિત ગામોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે બંધ કરાયેલા તમામ ગેરકાયદેસર કોલસાના કૂવાઓની સ્થળ પર ચકાસણી કરી હતી.
આ ઉપરાંત, થાનગઢ અને મૂળી તાલુકાઓમાં ગેરકાયદેસર કોલસા ખનન અટકાવવા માટે 24 કલાકની ડ્યૂટી માટે નિયુક્ત કરાયેલી ત્રણ અલગ-અલગ નાઇટ પેટ્રોલિંગ ટીમોની કામગીરીનું પણ સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટીમો નિયમિત અને સતર્કતાપૂર્વક ફરજ બજાવે છે તેની ખાતરી કરાઈ હતી.

