Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સોની ધરપકડ

મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સોની ધરપકડ

◙ 6 ટેન્કર, 2 લાખ કિલોથી વધુ ઓઇલ, ચોરીના સાધનો જપ્ત, આદિપુરના મુખ્ય સૂત્રધાર અબ્દુલ અહેમદ હાલેપોત્રા સહિત 5 શખ્સો વોન્ટેડ : પીઆઈ એસ.એમ.જાડેજા અને ટીમનો સપાટો

રાજકોટ. તા.3
કચ્છમાં એસએમસીની ટીમે મોટો દરોડો પાડી મોટા ઓઇલ ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.મુન્દ્રા હાઇવે પરથી ચોરાઉ ઓઈલ સહિત 4.34 કરોડના મુદામાલ સાથે 11 શખ્સોની ધરપકડ કરાતાં ચકચાર મચી ગઇ હતી.

પીઆઈ એસ.એમ.જાડેજા અને ટીમે 6 ટેન્કર, 2 લાખ કિલોથી વધુ ઓઇલ, ચોરીના સાધનો જપ્ત કરી આદિપુરના મુખ્ય સૂત્રધાર અબ્દુલ અહેમદ હાલેપોત્રા સહિત 5 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા હતાં.

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લાના પ્રાગપર પોલીસ સ્ટેશનની હદમાં ઓઇલ ચોરીના એક બહુ મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પીઆઈ એસ.એમ. જાડેજા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે મુન્દ્રા હાઇવે પર આવેલા રતાડીયા (ગણેશવાલા) ગામની સીમમાં દરોડો પાડીને કુલ રૂ.4,34,52,635 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ મેગા ઓપરેશન દરમિયાન ઘટનાસ્થળેથી ઓઇલ ચોરીના નેટવર્કમાં સામેલ 11 આરોપીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સંચાલક સહિત અન્ય 5 સાગરીતોને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાઇવે પર હોટેલ પાછળ ચાલતું હતું ઓઇલ ચોરીનું નેટવર્ક
આ દરોડો મોખા ટોલ પ્લાઝાથી મુન્દ્રા તરફ જતા હાઇવે પર, શિવમ હોટેલની બાજુમાં આવેલા ખુલ્લા મેદાન (રતાડીયા સીમ)માં પાડવામાં આવ્યો હતો. આ ચોરીનું નેટવર્ક 66 KV પેટ્રી-મુન્દ્રા લાઇન નં. 52 ના વીજ ટાવરની નીચે બિલકુલ ગેરકાયદેસર રીતે ઓપરેટ થઈ રહ્યું હતું. આરોપીઓ ત્યાં કન્ટેનર ઊભું કરીને આખું નેટવર્ક ચલાવતા હતા. ટેન્કરોમાંથી કિંમતી ઓઇલ ચોરી કરી તેને પ્લાસ્ટિકના બેરલ અને કેરબામાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું.

રૂ.4.34 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત
પોલીસે રેડ દરમિયાન ઘટનાસ્થળેથી ઓઇલ ભરેલા વિશાળ ટેન્કરો અને ચોરી કરવા માટે વપરાતા અદ્યતન સાધનો કબજે કર્યા છે. જેમાં રૂ 1.50 કરોડની કિંમતના 6 ઓઇલ ટેન્કર અને તેમાં ભરેલું 2,05,170 કિલો ઓઇલ રૂ.2.81 કરોડનું જપ્ત કરાયું છે. આ સિવાય ટેન્કરમાંથી ચોરી કરાયેલું રૂ.1,78,090 ની કિંમતનું 1,465 કિલો ઓઇલ પણ અલગથી મળી આવ્યું હતું.

ઉપરાંત બાઈક, 10 મોબાઇલ ફોન, 50 પ્લાસ્ટિકના બેરલ, કેરબા, ઇલેક્ટ્રિક મોટર, પ્લાસ્ટિક પાઇપો, વજન કાંટો, લીકેજ સ્ટોપર્સ, ઓઇલ ટ્રાન્સફર કરવાની આયર્ન પાઇપ અને અન્ય નાના-મોટા સાધનો મળી આવ્યા છે.

અલગ-અલગ રાજ્યોના 11 શખ્સો ઝડપાયા
ધરપકડ કરાયેલા આરોપીઓમાં મોટાભાગના ઉત્તર પ્રદેશ, ઝારખંડ, બિહાર અને રાજસ્થાનના વતનીઓ છે, જેઓ અહીં ડ્રાઇવર અથવા ક્લીનર તરીકે કામ કરતા હતા. પકડાયેલા આરોપીઓમાં રાજેશકુમાર રામવીરસિંહ રાજપૂત (ઉ. 32, ઉત્તર પ્રદેશ), અવનિશ રામશંકર કાશ્યપ (ઉ. 22, ઉત્તર પ્રદેશ), ચંદ્રિકા ભોલાદા પાંડે (ઉ. 41, ઝારખંડ), વિક્રમસિંહ ભવરસિંહ ભાટી (ઉ. 23, રાજસ્થાન), વિકાસકુમાર જ્યનારાયણ મહેતા (ઉ. 32, ઝારખંડ),કશિવકુમાર રાજારામ પાસવાન (ઉ. 40, ઝારખંડ), શક્તા માશાભાઈ મુંધવા (ઉ. 35, રહે. ભચાઉ, કચ્છ), અરૂણ મુના ઉરાંવ (ઉ. 33, ઝારખંડ), શનીકુમાર બંગાળી પ્રસાદ મહેતા (ઉ. 21, ઝારખંડ),વઆકાશકુમાર રાજારામ યાદવ (ઉ.31, ઉત્તર પ્રદેશ) અને પ્રભાત ભૂષણસિંહ સભાપતિસિંહ (ઉ. 28, બિહાર) નો સમાવેશ થાય છે.

મુખ્ય સૂત્રધાર સહિત 5 આરોપીઓ વોન્ટેડ
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આ સમગ્ર કૌભાંડ સ્થાનિક ઓઇલ માફિયાઓ દ્વારા સંચાલિત હતું. આ કેસમાં કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા અબ્દુલ ગફુર અહેમદ હાલેપોત્રા (રહે. આદિપુર) સહિત પાંચ આરોપીઓ નાસી છૂટવામાં સફળ રહ્યા છે.

જેમાં અબ્દુલ અહેમદ હાલેપોત્રા (રહે. આદિપુર, કચ્છ), પંકજ (રહે. અંજાર), ધ્રુવરાજસિંહ પ્રદ્યુમનસિંહ જેઠવા (રહે. અંજાર), ગોપાલ લાઘા ગઢવી (રહે. વોવાર, મુન્દ્રા) અને હરભમ રબારી (રહે. ભીમાસર) નો સમાવેશ થાય છે.

એસએમસીની ટીમે તમામ પકડાયેલા આરોપીઓ અને કરોડો રૂપિયાનો મુદ્દામાલ આગળની તપાસ માટે પ્રાગપર પોલીસ સ્ટેશનને સોંપ્યો છે. આ ટોળકી વિરૂદ્ધ અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મુન્દ્રા અને કંડલા પોર્ટ પરથી આવતાં ટેન્કરમાંથી ઓઇલ ચોરી થતી'તી
મુખ્ય સંચાલક અબ્દુલ ભાગીદારો સાથે મળી પરપ્રાંતીય શખ્સો પાસે ઓઇલ ચોરી કરાવતો'તો
રાજકોટ. તા.3

મુખ્ય સંચાલક અબ્દુલ અહેમદ હાલેપોત્રા આ સમગ્ર ઓઇલ ચોરીના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર છે. રતાડીયા સીમમાં આવેલી આ ગેરકાયદેસર સાઇટ તેની દેખરેખ હેઠળ ચાલતી હતી. રેડ દરમિયાન પકડાયેલા મજૂરો તેના જ અંડરમાં કામ કરતા હતા.

જ્યારે પંકજ, ધ્રુવરાજસિંહ જેઠવા, ગોપાલ ગઢવી, અને હરભમ રબારી આ સ્થાનિક આરોપીઓ કૌભાંડમાં મુખ્ય સંચાલક સાથે ભાગીદારી ધરાવતા હતા. તેઓ ટેન્કરોમાંથી ક્યારે અને કઈ જગ્યાએ ઓઇલ કાઢવું, ચોરીના ઓઇલને ક્યાં સગેવગે કરવું અને તેને બજારમાં કોને વેચવું તે આખું નેટવર્ક અને આર્થિક વહીવટ સંભાળતા હતા.

સાઇટ ઓપરેટર્સ અને સ્થળ પર ઓઇલ ચોરી કરનારા મજૂરોમાં રાજેશકુમાર રાજપૂત, અવનિશ કશ્યપ, ચંદ્રિકા પાંડે, અને વિક્રમસિંહ ભાટી મુખ્ય આરોપી ગફુરભાઈના પાકા મજૂરો છે. તેઓ ઘટનાસ્થળે સાઇટ પર રાખેલા ખાસ કન્ટેનરમાં જ રહેતા હતા.

તેમનો મુખ્ય રોલ હાઇવે પરથી આવતા ટેન્કરોના લોક (સીલ) તોડી, ઇલેક્ટ્રિક મોટર અને પાઇપો લગાવીને ઓઇલ ચોરી કરવાનું, તેને પ્લાસ્ટિકના બેરલ અને કેરબામાં ભરવાનું તથા વજન કરવાનું હતું.

ટેન્કર ચાલકો અને ક્લીનર્સ વિકાસકુમાર મહેતા, શિવકુમાર પાસવાન, શક્તા મુંધવા, અરૂણ ઉરાંવ, આકાશકુમાર યાદવ, અને પ્રભાત સિંહ કંડલા અને મુન્દ્રા વચ્ચે ઓઇલ વહન કરતા અધિકૃત ટેન્કરો ચલાવતા હતા.

કંપની માલિકો કે વેપારીઓની જાણ બહાર, વધુ પૈસા કમાવવાની લાલચે તેઓ પોતાના ટેન્કરો આ ગેરકાયદેસર સાઇટ પર લાવીને ઊભા રાખતા હતા અને તેમાંથી ઓઇલ ચોરી થવા દેતા હતા.

શનીકુમાર મહેતા તે ટેન્કરના ડ્રાઇવર સાથે મળીને ટેન્કરને હાઇવે પરથી સાઇટની અંદર લાવવામાં અને ઓઇલ ચોરીના સાધનો ગોઠવવામાં ડ્રાઇવરો અને મજૂરોને મદદ કરતો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar