Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
નારી શક્તિનો ઐતિહાસિક વિજય : દેશને મળી પ્રથમ બેચની 14 મહિલા સૈન્ય અધિકારીઓ

નારી શક્તિનો ઐતિહાસિક વિજય : દેશને મળી પ્રથમ બેચની 14 મહિલા સૈન્ય અધિકારીઓ

► દેહરાદૂન અને હૈદરાબાદમાં યોજાયેલી NDA પાસિંગ આઉટ પરેડમાં કુલ 746 કેડેટ્સ ભારતીય સેનામાં સામેલ થયાં

દેહરાદૂન, તા. 13
આઝાદ ભારતનાં સૈન્ય ઇતિહાસમાં 13 જૂન 2026નો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયો છે. દેશનાં સંરક્ષણ ક્ષેત્રે નવો અધ્યાય શરૂ કરતાં, નેશનલ ડિફેન્સ એકેડેમી (NDA)ના પ્રથમ બેચની 14 દીકરીઓએ એક વર્ષની અત્યંત કપરી અને પડકારજનક ટ્રેનિંગ પૂર્ણ કરીને ભારતીય આર્મી અને એરફોર્સમાં સૈન્ય અધિકારી તરીકે પદ મેળવ્યું છે.

સુપ્રીમ કોર્ટનાં વર્ષ 2022ના ઐતિહાસિક આદેશ બાદ મહિલાઓ માટે NDA ના દરવાજા ખોલવામાં આવ્યાં હતાં, જેના સકારાત્મક પરિણામ સ્વરૂપે આજે આ દીકરીઓએ દેશની રક્ષા કાજે પુરુષ સમોવડી બનીને ઇતિહાસ રચ્યો છે.

આ ગૌરવશાળી ક્ષણના સાક્ષી બનવા માટે દેહરાદૂન સ્થિત ઇન્ડિયન મિલિટરી એકેડેમી (IMA) ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને હૈદરાબાદની ડુન્ડીગલ એરફોર્સ એકેડેમીમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ભવ્ય પાસિંગ આઉટ પરેડમાં કુલ 746 જુસ્સાદાર કેડેટ્સે દેશસેવાના શપથ લીધાં હતાં, જેમાં દેહરાદૂન IMAમાંથી 515 અને હૈદરાબાદ એરફોર્સ એકેડેમીમાંથી 231 ફ્લાઇટ કેડેટ્સ પાસ આઉટ થયાં છે.

વિશેષ ગૌરવની વાત એ છે કે, IMAના 94 વર્ષનાં લાંબા ઇતિહાસમાં પહેલીવાર 9 મહિલા કેડેટ્સે પુરુષ કેડેટ્સની સાથે ખભેથી ખભો મિલાવીને ભારતીય થલસેનામાં ઓફિસર બનવાનું બહુમાન મેળવ્યું, જ્યારે બાકીની 5 મહિલા કેડેટ્સે વાયુસેનામાં ઓફિસર તરીકે કમાન સંભાળી છે.

આ ઉપરાંત, ભારતની આ પ્રખ્યાત મિલિટરી સંસ્થામાંથી સૈન્ય તાલીમ મેળવીને 16 મિત્ર દેશોનાં 34 વિદેશી કેડેટ્સ પણ આજે ગર્વભેર પાસ આઉટ થયાં છે, જે ભારતીય સૈન્ય તાલીમની વૈશ્વિક સર્વોચ્ચતા દર્શાવે છે.

ઐતિહાસિક ચેટવુડ બિલ્ડિંગની સામે "ભારત માતા, તેરી કસમ તેરે રક્ષક બનેંગે હમ..."ના ગગનભેદી નારા અને દેશભક્તિના સૂર સાથે જ્યારે દેશનાં આ નવા રક્ષકોએ ડ્રિલ સ્ક્વેર પર કદમતાલ મિલાવ્યા ત્યારે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા ઓફિસર્સની સફળતાને દેશ માટે ગર્વની ક્ષણ ગણાવતાં જણાવ્યું હતું કે, આ સમાનતા સાર્થક કરતો બદલાવ છે અને સાચું નેતૃત્વ ચરિત્ર તથા પ્રતિબદ્ધતાથી આવે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar