એકતા નગર વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા દેશ-વિદેશના પ્રવાસીઓ માટે વધુ એક આકર્ષક સુવિધાનો ઉમેરો થયો છે. નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા અત્યાધુનિક અને ભવ્ય ક્રૂઝનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ નવું ક્રૂઝ તમામ સુરક્ષાના ધોરણોનું પાલન કરીને તેમજ સંબંધિત વિભાગોની જરૂરી પૂર્વ મંજૂરીઓ મળ્યા બાદ પ્રવાસીઓની સેવા માટે ખુલ્લું મુકાશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અગાઉથી જ 200 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતા ક્રૂઝનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવી રહ્યું છે, જેને પ્રવાસીઓ તરફથી ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો છે.
નર્મદા નદીમાં ક્રૂઝ મુસાફરી દરમિયાન પ્રાકૃતિક સૌંદર્ય સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના રમણીય દ્રશ્યો નિહાળવાનો અનોખો અનુભવ પ્રવાસીઓ માટે યાદગાર બની રહ્યો છે. પ્રવાસીઓની સતત વધતી સંખ્યા અને માગને ધ્યાનમાં રાખીને હવે વધુ વિશાળ, આધુનિક અને બહુઆયામી સુવિધાઓ ધરાવતી નવી ક્રૂઝ સેવા લોન્ચ કરવામાં આવી છે.
નવું ક્રૂઝ માત્ર નદીમાં મુસાફરી માટે જ નહીં, પરંતુ વિવિધ પ્રકારના સામાજિક, સાંસ્કૃતિક અને કોર્પોરેટ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ ક્રૂઝ પર જન્મદિવસની ઉજવણી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખાનગી સમારંભો તેમજ અન્ય વિશેષ આયોજનો કરી શકાશે. નર્મદાના મનમોહક વાતાવરણ વચ્ચે યોજાનારા આવા કાર્યક્રમો પ્રવાસીઓને એક અદ્ભુત અનુભવ પૂરો પાડશે.
નવા ક્રૂઝને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં ખાસ ડેકોરેટિવ લાઇટિંગની સુવિધા આપવામાં આવી છે, જેનાથી ખાસ કરીને સાંજના અને રાત્રિના સમયે ક્રૂઝની સુંદરતામાં અનેકગણો વધારો થશે. આધુનિક સુવિધાઓ અને વિશાળ ક્ષમતા ધરાવતું આ ક્રૂઝ એકતા નગરના પ્રવાસન ક્ષેત્રમાં વધુ એક મહત્વનું આકર્ષણ બનશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટૂરિઝમ ગવર્નન્સ ઓથોરિટી (SOUDTGA) દ્વારા પ્રવાસીઓને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત નવા પહેલ કરવામાં આવી રહ્યા છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના દર્શનની સાથે હવે પ્રવાસીઓ નર્મદા નદીમાં આ ભવ્ય અને આધુનિક ક્રૂઝનો પણ આનંદ માણી શકશે, જે તેમની યાત્રાને વધુ યાદગાર બનાવશે.
નવા ક્રૂઝની મુખ્ય વિશેષતાઓ
♦ 600 પ્રવાસીઓની પ્રવાસ ક્ષમતા
♦ 250 લોકો માટે ડાઇનિંગ સુવિધા
♦ લંબાઈ: 30 મીટર
♦ પહોળાઈ: 12 મીટર
♦ 5 x 4 મીટરનો વિશાળ સ્ટેજ
♦ આકર્ષક ડેકોરેટિવ લાઇટિંગ
♦ સેલિબ્રેશન, પાર્ટી, કોર્પોરેટ ઇવેન્ટ્સ, પ્રોડક્ટ લોન્ચ અને વિશેષ કાર્યક્રમો માટે ખાસ ડિઝાઇન
હાલમાં કાર્યરત ક્રૂઝની વિશેષતાઓ
► 200 પ્રવાસીઓની ક્ષમતા
► 100 લોકો માટે ડાઇનિંગ સુવિધા
► લંબાઈ: 24 મીટર
► પહોળાઈ: 9 મીટર
► 4 x 2 મીટરનો સ્ટેજ

