Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
પશુપાલકોને મસ્ટાઇટીસ રોગ સામે સજાગ રહેવા પશુપાલન વિભાગ દ્વારા કરાઇ અપીલ

પશુપાલકોને મસ્ટાઇટીસ રોગ સામે સજાગ રહેવા પશુપાલન વિભાગ દ્વારા કરાઇ અપીલ

જામનગર તા.7 જામનગર જિલ્લામાં પશુઓમાં દૂધ ઉત્પાદનને વ્યાપક અસર કરતા મસ્ટાઇટીસ (આંચળનો સોજો) રોગ અંગે પશુપાલકોને સાવચેત અને સજાગ રહેવા જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે. આ રોગ મુખ્યત્વે ગાય અને ભેંસ જેવા દુગ્ધાળુ પશુઓમાં જોવા મળે છે, જેના કારણે દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની સાથે પશુપાલકોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે.

સમયસરની કાળજી અને વૈજ્ઞાનિક અભિગમ દ્વારા આ રોગનું સરળતાથી નિયંત્રણ કરી શકાય છે.

આ રોગના મુખ્ય લક્ષણો વિશે વિગતો આપતા પશુપાલન વિભાગે જણાવ્યું છે કે, મસ્ટાઇટીસ થવા પર પશુના આંચળમાં સોજો આવે છે, અસહ્ય દુખાવો થાય છે અને અડવાથી આંચળ ગરમ લાગે છે. આ ઉપરાંત, દૂધનો રંગ બદલાઈ જવો, દૂધમાં લોહી કે પરુની ગાંઠો પડવી અથવા દૂધની માત્રામાં એકાએક મોટો ઘટાડો થવો વગેરે આ રોગના પ્રાથમિક લક્ષણો છે. આવા લક્ષણો જણાયે પશુપાલકોએ તુરંત જ તબીબી સલાહ લેવી હિતાવહ છે.

પશુપાલકોને પશુ ધનની સુરક્ષા માટે નીચે મુજબની બાબતોનું ખાસ ધ્યાન રાખવા વિભાગ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે: પશુ દોહન કરતાં પહેલાં અને પછી પશુપાલકે પોતાના હાથ તથા પશુના આંચળને જંતુનાશક પ્રવાહી મિશ્રિત પાણીથી બરાબર સાફ કરવા. દોહન માટે ઉપયોગમાં લેવાતા તમામ વાસણો અને સાધનોને નિયમિત રીતે સ્વચ્છ રાખવા.

પશુઓના રહેઠાણ અને ગમાણમાં કાદવ-કિચડ ન થાય અને સંપૂર્ણ સ્વચ્છતા જળવાય તેનું ખાસ ધ્યાન રાખવું. બીમાર પશુને અન્ય તંદુરસ્ત પશુઓથી તુરંત જ અલગ રાખવું, જેથી ચેપ ફેલાતો અટકાવી શકાય. પશુમાં રોગનું કોઈપણ પ્રાથમિક લક્ષણ જણાય તો વિલંબ કર્યા વગર નજીકના સરકારી પશુ દવાખાના અથવા '1962' હરતા-ફરતા પશુ દવાખાનાનો સંપર્ક કરવો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જૂન મહિના દરમિયાન જામનગર જિલ્લામાં કાર્યરત 21 હરતા-ફરતા પશુ દવાખાનાની ટીમો દ્વારા પશુપાલકોમાં મસ્ટાઇટીસ રોગ સામે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. જિલ્લાના પશુપાલકો પશુ આરોગ્ય સંબંધિત આકસ્મિક અને તાત્કાલિક સેવાઓ માટે સોમવારથી શનિવાર સવારે 8:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધી '1962' હેલ્પલાઇન સેવા પર સંપર્ક કરીને ઘરઆંગણે જ નિ:શુલ્ક સારવાર અને સચોટ માર્ગદર્શન મેળવી શકે છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar