(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.7
પાટડી નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છ ભારત અભિયાનના લીરેલીરા ઉડતા હોય તેવા શરમજનક દ્રશ્યો સામે આવ્યા છે. વર્ષ 2005થી અહીં એકધાં ભાજપનું શાસન છે અને દેશના વડાપ્રધાનના સ્વચ્છતાના સપનાને સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે, તેમ છતાં સ્થાનિક સત્તાધીશો અને અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે નગર ગંદકી અને રોગચાળાના ઉંબરે આવીને ઊભું રહ્યું છે.
કરોડોના ખર્ચે ભૂગર્ભ ગટર બની હોવા છતાં, ચોમાસુ પાણીના નિકાલ માટેની ખુલ્લી ગટરોમાં બારેમાસ ગંદુ પાણી વહે છે. શરૂઆતના દિવસોમાં કચરો અલગ-અલગ લેવાનું નાટક કરાયા બાદ, હવે માત્ર બોર્ડ પૂરતું જ આ અભિયાન મર્યાદિત રહ્યું છે.
હાલમાં પાટડીના મુખ્ય બસ સ્ટોપ, વાસોરીયાવાસ અને ઇન્દિરાનગર જેવા વિસ્તારો નરકાગાર બન્યા છે. ખુલ્લી ગટરો બંધ કરવા અને નિયમિત ડોર-ટુ-ડોર કચરો ઉપાડવાની ઉગ્ર માંગ ઉઠી છે.
પાલિકાની પાણીની ટાંકી ઓવરફ્લો થયા કરે છે
પાટડી-વિરમગામ રોડ પર આવેલી પાલિકાની પાણીની ટાંકીમાંથી બારેમાસ ઓવરફ્લો થતું પાણી ખુલ્લામાં છોડાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. પાટડીના ચીફ ઓફિસર અને નાયબ કલેક્ટર દરરોજ સવાર-સાંજ વિરમગામ અને વર્ણીન્દ્ર ધામ જવાના મુખ્ય માર્ગો પરથી પસાર થાય છે, તો શું આ ખુલ્લી ગંદકી અને ઉકરડા તેમને નજરે નથી ચડતા?

