(ફારૂક ચૌહાણ) વઢવાણ તા.3
પાટડી તાલુકાના નારણપુરા ગામની સરકારી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજના હેઠળ આપવામાં આવતા અનાજની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. શાળામાં બાળકોને આપવામાં આવતા ભોજન માટેના ચોખાના જથ્થામાં મોટી માત્રામાં જીવાત જોવા મળતા શિક્ષણતંત્રની પોલ ખુલી ગઈ છે.
આ ઘટનાને પગલે બાળકોના સ્વાસ્થ્ય સાથે સીધા ચેડાં થઈ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.પ્રાપ્ત માહિતી મુજબ, શાળામાં જ્યારે મધ્યાહન ભોજન રાંધવા માટે અનાજની બોરીઓ ખોલવામાં આવી ત્યારે અંદરથી જીવતી જીવાતો નીકળી હતી.
આટલી હદે બગડેલું અને જીવાતવાળું અનાજ બાળકોને ખવડાવવાની તૈયારી કરવામાં આવી રહી હતી તે જોઈને ત્યાં ઉપસ્થિત લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. શાળાની આ પ્રકારની બેદરકારી સામે ગ્રામજનો અને વાલીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે.
વાલીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "અમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે આ પ્રકારની રમત કેવી રીતે રમી શકાય? જો આ અનાજ ખાઈને બાળકો બીમાર પડે તો તેની જવાબદારી કોની રહેશે?"

