ટોરન્ટો, તા. 3 ફિફા વિશ્વ કપ 2026ના રાઉન્ડ ઓફ 32ના મુકાબલામાં ભારે હાઈ-વોલ્ટેજ ડ્રામા બાદ પુર્તગાલે ક્રોએશિયાને 2-1 થી હરાવીને રાઉન્ડ ઓફ 16 (અંતિમ-16) માં પ્રવેશ કરી લીધો છે. ટોરન્ટોના મેદાન પર રમાયેલી આ મેચ ફૂટબોલ ઇતિહાસની સૌથી રોમાંચક મેચોમાંની એક સાબિત થઈ હતી.
જો કે, મેચ પૂરી થયાં બાદ મેદાન પર સૌથી ભાવુક ક્ષણો જોવા મળી હતી, જ્યારે ફૂટબોલ જગતનાં મહાન ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો પોતાનાં આંસુ રોકી શક્યો ન હતો.
રોનાલ્ડોએ પોતાનાં દિવંગત સાથી ખેલાડી ડિઓગો જોટાને શ્રદ્ધાંજલિ આપવા માટે તેની 21 નંબરની જર્સી પહેરી હતી.
બીજી તરફ, લોસ એન્જલસમાં રમાયેલા અન્ય એક નોકઆઉટ મુકાબલામાં સ્પેને ઓસ્ટ્રિયાને 3-0 થી એકતરફી માત આપીને આગલા રાઉન્ડમાં જગ્યા પાકી કરી લીધી છે. હવે રાઉન્ડ ઓફ 16 માં સ્પેનનો સામનો પુર્તગાલ સામે ડલાસના મેદાન પર થશે.
રોનાલ્ડોએ કેમ પહેરી 21 નંબરની જર્સી? આંસુઓ પાછળનું મોટું કારણ
3 જુલાઈના રોજ પુર્તગાલના સ્ટાર ફૂટબોલર ડિઓગો જોટાની પ્રથમ પુણ્યતિથિ હતી. ઉલ્લેખનીય છે કે, 3 જુલાઈ 2025ના રોજ સ્પેનમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં જોટા અને તેના ભાઈ આન્દ્રે સિલ્વાનું અવસાન થયું હતું.
આ દુર્ઘટના જોટાના લગ્નનાં માત્ર 11 દિવસ બાદ જ ઘટી હતી. પોતાનાં આ વહાલા અને ભરોસાપાત્ર સાથી ખેલાડીની યાદમાં આખી પુર્તગાલ ટીમ ભાવુક દેખાતી હતી. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ મેચ બાદ જોટાની 21 નંબરની જર્સી પહેરીને આ શાનદાર જીત તેને સમર્પિત કરી હતી.
મેચની અંતિમ વ્હીસલ વાગ્યા બાદ રોનાલ્ડો સાથી ખેલાડીઓને ભેટીને રડી પડ્યો હતો અને ભીની આંખે સ્ટેડિયમમાં હાજર ફેન્સનું અભિવાદન ઝીલ્યું હતું. જોટાએ પુર્તગાલ માટે 49 મેચમાં 14 ગોલ કર્યા હતા.
મેદાન પર 18 મિનિટનો અભૂતપૂર્વ ડ્રામા અને પુર્તગાલની જીત
મેચના પ્રથમ હાફ સુધી સ્કોર 0-0 ની બરાબરી પર રહ્યો હતો. પરંતુ બીજા હાફની શરૂઆતમાં જ 53મી મિનિટે ક્રોએશિયાના ઇવાન પેરિસિચે ગોલ ફટકારીને પોતાની ટીમને 1-0 ની લીડ અપાવી દીધી હતી. ત્યારબાદ 64મી મિનિટે બોક્સની અંદર ક્રોએશિયાના વાલસિચે પુર્તગાલના વેગાને ફાઉલ કરતાં રેફરીએ VAR (વિડીયો આસિસ્ટન્ટ રેફરી) ની મદદથી પુર્તગાલને પેનલ્ટી આપી હતી.
રોનાલ્ડોએ કોઈ ભૂલ વગર પેનલ્ટીને ગોલમાં ફેરવી સ્કોર 1-1 સરભર કર્યો હતો. આ રોનાલ્ડોના વર્લ્ડ કપ નોકઆઉટ કેરિયરનો સર્વપ્રથમ ગોલ હતો. અસલી રોમાંચ ઇન્જરી ટાઇમમાં જોવા મળ્યો. 90 મિનિટની રમત બાદ ઉમેરાયેલો સમય હાઈ-ડ્રામાના કારણે 18 મિનિટ સુધી લંબાયો હતો. 90+4 મિનિટે રાફેલ લિયાઓના ક્રોસ પાસ પર ગોન્ઝાલો રામોસે શાનદાર હેડર વડે ગોલ કરીને પુર્તગાલને 2-1 થી આગળ કરી દીધું.
ત્યારબાદ 90+15મી મિનિટે ક્રોએશિયાએ ગોલ કરીને જશ્ન મનાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ રેફરીએ ટઅછ ચેક કરીને આ ગોલને 'ઓફસાઇડ' જાહેર કરી રદ કરી દીધો અને ક્રોએશિયાનું સપનું તૂટી ગયું. ક્રોએશિયાના દિગ્ગજ લુકા મોડ્રિચનો આ છેલ્લો વર્લ્ડ કપ હતો, મેચ બાદ રોનાલ્ડોએ તેને ગળે લગાવી સાંત્વના આપી હતી.
સ્પેને ઓસ્ટ્રિયાને 3-0 થી રોળ્યું ; ગોલકીપર ઉનાઈ સિમોનનો વર્લ્ડ રેકોર્ડ
લોસ એન્જલસ સ્ટેડિયમમાં રમાયેલા બીજા મેચમાં સ્પેને ઓસ્ટ્રિયા પર એકતરફી પ્રભુત જમાવ્યું હતું. મેચની 36મી મિનિટે માર્ક કુકુરેલાના શાનદાર પાસ પર મિકેલ ઓયરજાબલે ગોલ કરીને સ્પેનને 1-0 ની લીડ અપાવી. બીજા હાફમાં 66મી મિનિટે એલેક્સ બાએનાના ક્રોસ પર પેડ્રો પોરોએ હેડર દ્વારા સ્પેન માટે પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ નોંધાવી સ્કોર 2-0 કર્યો. અંતે 89મી મિનિટે ઓયરજાબલે પોતાનો બીજો અને ટીમનો ત્રીજો ગોલ ફટકારીને સ્પેનની 3-0 થી ભવ્ય જીત સુનિશ્ચિત કરી હતી.
ઉનાઈ સિમોનનો રેકોર્ડ : સ્પેનિશ ગોલકીપર ઉનાઈ સિમોને આ મેચમાં ક્લીન શીટ (એક પણ ગોલ ન ખાવા) જાળવી રાખી નવો ઇતિહાસ રચ્યો છે. તે વર્લ્ડ કપમાં સતત 519 મિનિટ સુધી અજેય રહ્યો છે. આ સાથે જ તેણે ઇટાલીના મહાન ગોલકીપર વોલ્ટર ઝેન્ગાના 517 મિનિટના રેકોર્ડને તોડી નાખ્યો છે.
રોનાલ્ડોએ 41 વર્ષની ઉંમરે બનાવ્યાં બે ઐતિહાસિક રેકોર્ડ
1. સૌથી વયસ્ક ખેલાડીઃ 41 વર્ષ અને 147 દિવસની ઉંમરે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો ફિફા વર્લ્ડ કપના નોકઆઉટ મુકાબલામાં રમનારો ફૂટબોલ ઇતિહાસનો સૌથી ઉંમરલાયક ખેલાડી બન્યો છે.
2. 40 પ્લસની ઉંમરે ગોલઃ તે 40 વર્ષની ઉંમર વટાવ્યા બાદ વર્લ્ડ કપ નોકઆઉટમાં ગોલ કરનારો વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે પોતાનાં જ સાથી પેપેનો (39 વર્ષ 283 દિવસ) રેકોર્ડ તોડ્યો છે.

