રાજકોટ. તા.7 રાજકોટ શહેરના શ્યામજીકૃષ્ણ વર્મા ટાઉનશીપમાં ફક્ત ચાર વર્ષના માસુમ બાળક પર શિક્ષિકાની ક્રૂરતા સામે આવી છે. ટ્યુશનમાં ગયેલો માસુમ બાળક લખતો ન હોય શિક્ષિકાએ ક્રૂરતાપૂર્વક બાળકને ડામ આપ્યો હતો. બાદમાં બાળક સાથે બર્બરતા આચર્યા પાછળનું કારણ પૂછવા ગયેલા કાકા સાથે પણ શિક્ષિકાએ બોલાચાલી કરી હતી. સમગ્ર મામલે પ્ર.નગર પોલીસે શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે રાજકોટમાં રેલનગરમાં આવેલ શ્યામજી કૃષ્ણવર્મા ટાઉનશીપ ફ્લેટ નં.સી-508 માં રહેતા અને રીક્ષા ડ્રાઈવિંગ કરતા 36 વર્ષીય યુવાન વિશાલભાઇ હરેશભાઈ યાદવે આરોપી તરીકે શિક્ષિકા નિરાલીબેન અશ્વિનભાઇ (રહે. રેલનગર, શ્યામજી ક્રુષ્ણવર્મા ટાઉનશીપ ઈ-408, સનરાઈજ સ્કુલની બાજુમા,રાજકોટ)નું નામ આપતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી કાર્યવાહી આદરી હતી.
વધુમાં ફરિયાદમાંફરીયાદીએ જણાવ્યું હતું કે, ગઈકાલે તે રીક્ષા લઇ ઘરે પહોંચેલ હતો. દરમીયાન આશરે આઠ વાગ્યે ભાભી ગાયત્રીબેન ધર્મેશભાઇ યાદવએ વાત કરેલ કે, મારો દીકરો કશ્યપ (ઉ.વ.4) આપણા ઘર નજીક રહેતા નીરાલીબેનના ઘરે ટ્યુસનમા ગયેલ હતો. જયાં શિક્ષિકા નીરાલીબેને તેને ડાબા પગના સાથળ ઉપર તાવીથો ગરમ કરી ડામ દીધેલ છે. જેથી આ બાબતે નીરાલીબેનના ઘરે ઠપકો આપવા ગયેલ હતો. નીરાલીબેનને પુછેલ કે, આ નાના દીકરાને કેમ ડામ આપેલ છે? જે સાંભળી નિરાલીબેન એકદમ ઉશ્કેરાય ગયેલ અને કહેલ કે, છોકરો લખતો ન હતો જેથી આવુ કરેલ છે, તેમ છતા તમારે જે કાઇ કરવુ હોય તે કરી લો તેમ કહી જેમફાવે તેમ બોલવા લાગેલ હતા.
શિક્ષિકા નીરાલીબેને ચાર વર્ષના માસુમ બાળકને તાવીથા વડે ડામ આપતાં કાકા સહિતના બાળકને સારવાર અર્થે ખસેડ્યો હતો. બીજી બાજુ સમગ્ર મામલે પ્ર.નગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

