રાજકોટ, તા.21 ગઇકાલે રવિવારની રજામાં સાંજે રાજકોટવાસીઓને મેઘરાજાએ મોજ કરાવી દીધી હતી. પ્રચંડ-ગાજવીજ અને તોફાની પવન સાથે સાંજે મેઘરાજા તુટી પડ્યા હતા અને એક કલાકમાં જ 1 ઇંચ વરસાદ વરસાવી દીધો હતો.
ગઇકાલે સાંજે શ્રી ગણેશની આરતીના સમયે જ મેઘરાજાએ આગમન કરતાં શહેરનાં અનેક ગણેશ પંડાલો પાણી...પાણી થઇ ગયા હતા અને ભગવાનની આરતીમાં વિલંબ થવા પામ્યો હતો.
ભારે વરસાદનાં પગલે ગણેશ પંડાલનાં સંચાલકો અને ભક્તોમાં દોડધામ થઇ જવા પામી હતી, દરમિયાન આજે સવારથી શહેરમાં વાતાવરણ સ્વચ્છ થઇ જવા પામ્યું હતું અને સૂર્યદેવતાએ દર્શન દીધા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં ગઇકાલે સાંજે 7-30 કલાકે ભારે ગાજવિજ અને તેજ પવનનાં સુસવાટા સાથે એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબકી જતાં ઠેર ઠેર રાજમાર્ગો-સર્કલો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીના તળાવડા ભરાઇ ગયા હતા તો ચુનારાવાડમાં વૃક્ષ પડી ગયું હતું.
શહેરમાં છેલ્લા બે દિવસથી તડકા-છાંયડા વચ્ચે હળવા ઝાપટા વરસતા રહ્યા હતા અને ગઇકાલે રવિવારની રજામાં પણ આખો દિવસ સ્વચ્છ હવામાન રહ્યા બાદ સાંજે 7-30 કલાકે હવામાન અચાનક પલ્ટાયું હતું અને આકાશમાં પ્રચંડ વિજ કડાકા-ભડાકા થયા હતા અને ગાજવિજ તથા ઝડપી પવનનાં સુસવાટા સાથે મેઘરાજાએ તોફાની આગમન કર્યું હતું અને એક જ કલાકની અંદર એક ઇંચ વરસાદ ખાબકી જવા પામ્યો હતો.
દરમિયાન રાજકોટ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર શહેરમાં ગતરાત્રિના સેન્ટ્રલ ઝોનમાં 22 મીમી તથા ઇસ્ટ અને વેસ્ટમાં 13 મીમી વરસાદ નોંધાયો હતો. સેન્ટ્રલમાં મોસમનો કુલ 510 તથા ઇસ્ટમાં 419 અને વેસ્ટમાં 442 મીમી વરસાદ નોંધાયો હતો.
આમ શહેરમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ વરસાદ 19,50 મીમી થવા પામ્યો છે અને હજુ પણ બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે રાજકોટમાં હજુ વરસાદ વરસે તેવી શકયતા છે.

