રાજકોટ તા.4 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - રાજકોટ મહાનગર દ્વારા દેવર્ષિ નારદ જયંતી અને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ નિમિત્તે 3 મેના રોજ, રાજકોટમાં પત્રકાર મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટના અગ્રણી મીડિયા હાઉસના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રાષ્ટ્રના વિકાસમાં મીડિયાની સકારાત્મક અને શક્તિશાળી ભૂમિકા અંગે સૌએ સાથે મળીને ચિંતન કર્યું હતું.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંઘચાલક મુકેશભાઈ મલકાણે પત્રકારો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે પત્રકારો પાસેથી સમાજના સળગતા પ્રશ્નો જાણ્યા હતા અને આ પ્રશ્નોના ઉકેલ માટે પત્રકારોના સૂચનો પણ તેમણે જાણ્યા હતા. આ તકે સ્વસ્થ સમાજના નિર્માણમાં નિષ્પક્ષ અને જવાબદાર પત્રકારત્વ પર તેમણે ભાર મૂક્યો હતો. વર્તમાન સમયમાં અનેક પત્રકારો અને મીડિયા પોઝિટિવ સ્ટોરી થકી સમાજમાં પોઝીટીવ મેસેજ આપીને નાગરિકોને પ્રેરણા પૂરી પાડે છે, જેની તેમણે સરાહના કરી હતી અને આ પ્રકારના પત્રકારત્વને બિરદાવવા પર તેમણે ભાર મૂક્યો હતો.તેમણે કહ્યું હતું કે, મીડિયા એ લોકશાહીનો ચોથો સ્તંભ છે અને ખૂબ મોટી શક્તિ છે.
મીડિયા સમાજ પરિવર્તન થકી રાષ્ટ્રકાર્યમાં પોતાનું મહત્વનું યોગદાન આપી શકે છે.સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રચાર પ્રમુખ વિપુલભાઈ અઘારાએ દેવર્ષિ નારદ વિશે સમાજમાં કમ્યુનિસ્ટો દ્વારા ફેલાવાયેલી ગેરસમજો પર પ્રકાશ પાડ્યો હતો. આ સાથે તેમણે નારદજીના પત્રકારત્વ વિશે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.
કાર્યક્રમના આરંભે રાજકોટમાં અકિલા પરિવારના સ્વ. ભાવનાબેન દિપકકુમાર નાગ્રેચા તથા આજકાલ પરિવારના સ્વ. રજનીબેન ધનરાજભાઈ જેઠાણીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં મહાનગર સંઘચાલક ડો. જીતેન્દ્રભાઈ અમલાણી, મહાનગર કાર્યવાહ ડો. આશિષભાઈ શુક્લ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

