નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારમાં ફેરફારથી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીનની નવી ટીમ અંગે દિલ્હીમાં જબરી ચર્ચા છે અને સંસદનું ચોમાસુ સત્ર તા.20ના પ્રારંભ થઈ રહ્યું છે તે વચ્ચે ફરી એક વખત આ અંગે દિલ્હીમાં જબરો ધમધમાટ હોવાનો સંકેત છે.
ખાસ કરીને ગઈકાલે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીન અને ભાજપના સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષની બેઠકમાં ભાજપ સંગઠન અને મંત્રીમંડળમાં પુનઃગઠન અંગે ચર્ચા થઈ હોવાના અહેવાલ છે.
સંભવત રવિવારે કેન્દ્રીય મંત્રી મંડળમાં ફેરફાર થઈ શકે છે. ભાજપના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ હવે ત્રણ દિવસ શ્રી અમીત શાહ દિલ્હીમાંજ રહેશે. તેઓ આજે અને આવતીકાલે ઓડીસાના પ્રવાસે જનારા હતા તે રદ કરવામાં આવ્યા છે.
ભાજપ હવે ચોમાસુ સત્ર પુર્વે મંત્રીમંડળમાં ફેરફાર, નીતિન નબીનની નવી ટીમ એ બન્ને એજન્ડા પર એક સાથે જ ધડાકા કરી શકાય છે. નીતીન નબીનની નવી ટીમ લાંબા સમયથી ડયુ છે. કેન્દ્રીય કેબીનેટમાં સભ્યો ઘટતા જાય છે અને સરકાર પાસે એકથી વધુ મહત્વપૂર્ણ એજન્ડા છે.
પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન તા.6થી ત્રણ દેશોના પ્રવાસે જનાર છે. કાલે સાંજે રાજસ્થાનમાં છે તેથી રવિવાર તા.5 તારીખ મહત્વની છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આંધ્રપ્રદેશનો પ્રવાસ પુરો કરી દિલ્હી પરત આવી ગયા છે.
બે કેન્દ્રીય મંત્રીઓ શ્રી પીયુષ ગોયલ તથા નિર્મલા સીતારામન શનિવારે સાંજે દિલ્હી પરત આવી જશે તથા મંત્રીઓ આ સપ્તાહના અંતે દિલ્હીમાંજ ઉપલબ્ધ રહેવાના છે તેવા સંકેત છે.
તેથી રવિવારે એ સૌથી વધુ રાહ જોનારો દિવસ બની ગયો છે. તા.20ના સંસદનું સત્ર શરૂ થાય તે પુર્વે નવા મંત્રીઓને તેમના વિભાગોને જાણવાનો સમય મળે તે પણ જરૂરી છે તો ભાજપે ઉતરપ્રદેશ પંજાબની ધારાસભા ચુંટણીની તૈયારી પણ શરૂ કરી દીધી છે. આમ પક્ષ હવે આગામી બે વર્ષના એજન્ડા માટે ટોન સેટ કરી રહ્યા છે.

