રાજકોટ: પેટ અને પાચનતંત્ર સંબંધિત વધતી જતી બીમારીઓને ધ્યાનમાં રાખીને, રોટરી ક્લબ ઓફ રાજકોટ મિડટાઉન દ્વારા આગામી રવિવાર, 09 ઓગસ્ટ 2026 ના રોજ પેટની તકલીફો માટે એક વિશેષ 'વિનામૂલ્યે ગેસ્ટ્રોલોજી કેમ્પ' નું સવારે 9:00 થી બપોરે 12:00 વાગ્યા દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.આ સેવાકીય કેમ્પના મુખ્ય દાતા ડો. રજનીકાંત મહેતા છે.
આ કેમ્પની સૌથી મોટી વિશેષતા એ છે કે નિષ્ણાત ડોક્ટર દ્વારા ફ્રી કન્સલ્ટેશનની સાથે, જો તપાસ દરમિયાન જરૂરી જણાશે તો દર્દીની સોનોગ્રાફી અને એન્ડોસ્કોપી પણ તદ્દન વિનામૂલ્યે કરી આપવામાં આવશે. "સ્વસ્થ પેટ, સ્વસ્થ જીવન - સમયસર તપાસ, યોગ્ય સારવાર" ના ઉમદા હેતુ સાથે આયોજિત આ કેમ્પમાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ ડો. ગજેન્દ્ર ઓડેદરા તથા જનરલ અને લેપ્રોસ્કોપિક સર્જન ડો. પ્રતાપસિંહ ડોડીયા (ખજ, ઋખઅજ, ખખઅજ) તેમની વિશેષ સેવાઓ આપશે.
એસિડિટી, છાતીમાં બળતરા, ખાટા ઓડકાર, અપચો, ગેસ, પેટ ભારે લાગવું, પેટમાં દુખાવો, ઉલટી, ઝાડામાં લોહી પડવું, લાંબા સમયથી ઝાડા રહેવા, અત્યંત થાક-કમજોરી, કમળો, હેપેટાઇટિસ અથવા લીવર તેમજ પેટના અન્ય કોઈપણ રોગોથી પીડાતા દર્દીઓ આ કેમ્પમાં નિદાન મેળવી શકશે.
આ મેગા કેમ્પ રોટરી લલિતાલય હોસ્પિટલ, 6- ગીત ગુર્જરી સોસાયટી, જૂના એરપોર્ટ રોડ પાસે, રાજકોટ ખાતે યોજાશે. કેમ્પમાં નિદાન અને વિશેષ તપાસ (સોનોગ્રાફી/એન્ડોસ્કોપી) વિનામૂલ્યે હોવાથી, સુવ્યવસ્થા જાળવવા માટે અગાઉથી નોંધણી કરાવવી કડકપણે અનિવાર્ય છે. નોંધણી માટે મો. 898 000 2026 પર સંપર્ક કરવાનો રહેશે.

