રાજકોટ, તા.5 પોરબંદર ખાતે એક જાહેર કાર્યક્રમમાં સતાર મૌલાના અને હસનૈન બકાઈએ સૈયદ જ્ઞાતિ વિશે વારંવાર મનફાવે તેમ હલકી કક્ષાના અપમાનજનક ટીપ્પણી કરતા ગુજરાતભરના અનેક જીલ્લાઓમાં આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે રાજકોટ શહેરમાં પણ ગુલામ મોહમ્મદ મોહમ્મદમીયા બુખારી (સૈયદ)ની આગેવાની હેઠળ સૈયદ જ્ઞાતિના આગેવાનોએ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી આ બંને વિરૂધ્ધ ગુનો નોંધવા માંગણી કરી છે.
આવેદનપત્રમાં સુન્ની મુસ્લિમ સાદાત જમાત એજયુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટના ગુલામ મોહમ્મદ મોહમ્મદમીયા બુખારી સહિતનાએ જણાવ્યા પ્રમાણે ગઈ તા.20/7/2026ના રોજ રાત્રીના પોરબંદર મેમણવાડામાં નગીના મસ્જીદની પાછળ આવેલ તાજુસરીયા હોલ (જમાતખાના) ખાતે હૈદરી યંગ કમીટી દ્વારા એક જાહેર પ્રોગ્રામ યોજાયેલ હતો.
જેમાં તથા સૈયદ સલીમબાપુ જામનગર વાળા તેમજ સૈયદ જાફરબાપુ બુખારી વિગેરે અનેક નામી ગીરામી લોકો મોટી સંખ્યામાં હાજર હતા. તે જાહેર પ્રોગ્રામમાં અબ્દુલસત્તાર હામદાણી ઉર્ફે સતાર મૌલાના અને હસનૈન બકાઈ ગ્યાસી સફવી કાદરીએ વારાફરતી જાહેર મંચ ઉપર માઈકમાં ઈસ્લામ ધર્મ બાબતેનું પ્રવચન હિન્દી ભાષામાં આપેલ હતું.
જેમાં આરોપી નં.1નાએ તો સૈયદ જ્ઞાતિને સંબોધી વારંવાર જ્ઞાતિ વિરૂધ્ધ મનફાવે તેમ હલકી કક્ષાના અપમાનજનક શબ્દો ઉચ્ચારવામાં આવેલ. તેવી અભદ્ર અપમાનજનક શબ્દો બોલી અમારી સૈયદ જમાતની ધાર્મિક લાગણી દુભાવેલ છે અને આ ઉચ્ચારેલ અપમાનજનક ભાષણ અબ્દુલ સત્તાર રઝવી ચેનલ યુ-ટયુબ ઉપર લાઈત્ત ઓડીયો અપલોડ કરેલ જેમાં હાજર અન્ય સમાજના લોકો આવી અપમાનીત ટીપ્પણી વખતે હસતા હતા તેનો અવાજ પણ આવે છે.
અમારા જેવા ઘણા સૈયદોની અને મુસ્લિમ સમાજના લોકોની ભારોભાર ધાર્મિક તથા સામાજીક લાગણી અને આસ્થા દુભાયેલ. આરોપીઓ દ્વારા કરવામાં આવેલ આ ગુનાહિત કૃત્ય બદલ અમોએ રાજકોટ સૈયદ જમાતમાં રજુઆત કરેલ અને બધાએ સહમતી સાધી આ કામે ફરીયાદ આપવાનું નકકી કરેલ, સતાર મૌલાના અને હસનૈન બકાઈએ સૈયદ જમાતના લોકોની વિરૂધ્ધ તથા તાજીયા મન્નત વિશે અભદ્ર અને અપમાનજનક શબ્દો બોલી સૈયદ જમાતના લોકોની અને અન્ય મુસ્લિમ સમુદાયના લોકોની ધાર્મિક, સામાજીક અને આસ્થાની લાગણી દુભાવેલ છે. જાણીજોઈ સમજી વિચારી એકબીજાની મદદગારી કરી આરોપીઓએ અમારા મુસ્લિમ સમુદાય, સૈયદ જ્ઞાતિમાં અંદરો અંદર દુશ્મનાવટ ઉભી કરવાના અને સૈયદ જમાતને બદનામ કરવાના સુલેહ શાંતિ ભંગ થાય એવા દુષિત આશયથી આ કૃત્ય કરેલ છે. આ કામે આરોપીઓ વિરૂધ્ધ બીએનએસની કલમ 196 (1) (એ), 196 (1)(બી), 299, 352, 54 અને આઈ.ટી એકટની કલમ 67 તથા લાગુ પડતી યોગ્ય કલમો હેઠળ ગુનો નોંધી યોગ્ય કાર્યવાહી કરવા અમારી માંગણી છે.

