જામનગર,તા.5 જામનગર તાલુકાના દડીયામાં સાક્ષી બનવાનો ખાર રાખી યુવકને રોકી ભાઈ અને સરપંચને મારી નાખવાની ધમકી આપવા મામલે એસ.આર.પી. કોન્સ્ટેબલ સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. 'હું પોલીસમાં છું, મારું કોઈ કંઈ નહીં બગાડી શકે' કહી ગાળો આપી ધમકાવ્યાના આરોપ બાદ પોલીસે ચેલા એસઆરપીના જવાન સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દડીયા ગામમાં અગાઉની પોલીસ ફરિયાદમાં સાક્ષી આપવાનો ખાર રાખીને પેલા એસઆરપીના પોલીસ કોન્સ્ટેબલે યુવકને રસ્તામાં રોકી તેના ભાઈ તથા ગામના સરપંચને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે જયેશભાઈ ભોજાભાઈ માંતગ (ઉં.વ. 33), રહે. દડીયા ગામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેલા એસર.પી. ના કોન્સ્ટેબલ ભરત ખેતાભાઈ ડણેચા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ મુજબ, જયેશભાઈ પોતાની દીકરી વૈદાંશીને શાળાએ મૂકી બપોરે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે ગામની દૂધ ડેરી પાસે ભરતભાઈ ખેતાભાઈ ડણેચાએ તેમની ગાડી અટકાવી હતી.
ત્યારબાદ તેમના ભાઈ હીરેન્દ્રભાઈએ ગામના સરપંચ દ્વારા કરાયેલી ફરિયાદમાં સાક્ષી કેમ આપી તે મુદ્દે ઉશ્કેરાઈ ગાળો આપી હતી. સાથે જ સરપંચ અને હીરેન્દ્રભાઈને ગામમાંથી કાઢી મૂકવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
એવો પણ આક્ષેપ કરાયો છે કે, આરોપીએ "હું પોતે (એસ.આર.પી.) પોલીસમાં છું, પોલીસ મારું કંઈ નહીં કરે, ચોવીસ કલાકમાં છૂટી જઈશ" જેવા શબ્દો ઉચ્ચારી ધાકધમકી આપી હતી.
ઉપરાંત હાઈકોટના ધક્કા ખવડાવવાની અને પોતાની પત્ની મારફતે ખોટી ફરિયાદ કરાવવાની પણ ધમકી આપી હતી. સમગ્ર ઘટનાના આધારે જયેશભાઈ માંતગની ફરિયાદ પરથી પંચકોષી બી. ડિવિઝન પોલીસે ભરત ખેતાભાઈ ડણેચા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

