સરકારી કચેરીઓમાં આવતા અરજદારોને સન્માન સાથે બોલાવવા અને તેમનું કામ નમ્રતાથી કરવા દરેક ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓની નમ્ર ફરજ હોય છે. પરંતુ અનેક કચેરીમાં નાગરિકોને વેરો, જુદી જુદી ફી, ખાતામાં નાણા ભરવા, વિવિધ ચાર્જ ભરવાના કામ માટે પણ લાઇનમાં બેસવું પડે તેવી નોબત આવે છે. કોર્પોરેશન, બહુમાળી ભવન, જુદી જુદી મામલતદાર કચેરીમાં આવું બનતું રહે છે.
તે દરમ્યાન રાજકોટ મહાપાલિકાની વેસ્ટ ઝોન કચેરીમાં સિકયુરીટી ગાર્ડ કક્ષાના કર્મચારીએ વડીલ અરજદારને ટેકો આપીને પ્રેરક ઉદાહરણ પુરૂ પાડયાનું દ્રશ્ય દેખાયું હતું. લોકોની વેરાની આવકમાંથી પગાર લેતા કર્મચારીઓ માટે આ દાખલા રૂપ આદત છે.
કારણ કે નાગરિકોની મદદ કરવા માટે મોટા પગાર લેવાની કે સરકારી વાહનોની સુવિધા ભોગવવાની જરૂર હોતી નથી, માત્ર મદદનો ભાવ હોવો જરૂરી છે. (તસ્વીર : પંકજ શીશાંગીયા)

