(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.7 સાયલા-ચોટીલા નેશનલ હાઈવે સોમવારે રક્તરંજિત થતા બચ્યો છે. ડોળિયા ઓવરબ્રિજ નજીક એક કાળમુખા ટ્રકે આગળ જતી ચાર કારને અડફેટે લેતાં કુલ 5 વાહન વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કરમાં વાહનોને નુકસાન થયુ હતુ. જ્યારે 5થી વધુ લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચતા હોસ્પિટલ લઇ જવાયા હતા.
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઈવે પર છેલ્લા એક મહિનાથી ઓવરબ્રિજનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે.
પરંતુ તંત્ર દ્વારા વાહનોની અવરજવર માટે કોઈ યોગ્ય ડાયવર્ઝન કે સાઈનબોર્ડ મૂકવામાં આવ્યા નથી.
અંધેર વહીવટના કારણે સોમવારે વાહનો એકબીજા સાથે અથડાયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની બેદરકારી ફરી એકવાર છતી થઈ છે.
ડોળિયા ઓવરબ્રિજ પર છેલ્લા એક મહિનાથી રિપેરિંગ કામ ચાલે છે. તંત્રએ ડાયવર્ઝન તો આપ્યું પણ ત્યાં ટ્રાફિક મેનેજમેન્ટ શૂન્ય છે. અચાનક રસ્તો સાંકડો થઈ જવાથી સ્પીડમાં આવતા વાહનો કાબૂ ગુમાવી બેસે છે.

