રાજકોટ, તા.5 શેરબજારમાં છેલ્લા ત્રણ દિવસથી દાખલ થયેલા ક્લોઝીંગ ટ્રેડીંગ સેશન્સના કારણે ટ્રેડરો ઇન્વેસ્ટરોમાં આજે સતત ત્રીજા દિવસે મુંઝવણભરી હાલત રહી હતી. પ્રારંભીક કામકાજમાં સેન્સેક્સમાં ગ્રીન ઝોનમાં હતો જ્યારે નીફટી રેડ ઝોનમાં હતો તેના પરિણામે માર્કેટ તેજીમાં છે કે મંદીમાં છે તે નકકી થઇ શકતું નથી. નવી સિસ્ટમની આ ઝંઝટથી બ્રોકરો તથા ઇન્વેસ્ટરોમાં જબરી નારાજગી જોવા મળી હતી.
સોમવાર સુધીમાં સીસ્ટમ ક્લીયર થઇ જવાનું માનવામાં આવી રહ્યું છે.
વૈશ્વિક માર્કેટોની તેજી તથા અમેરિકા-ઇરાન વચ્ચે સમજુતી થઇ જવાના આશાવાદ ઉપરાંત ક્રૂડ તેલમાં વધુ કડાકા અને કરન્સી માર્કેટમાં રુપિયાની મજબૂતાઇ જેવા અનેકવિધ પોઝીટીવ કારણો વચ્ચે શેરબજાર આજે ગેપઅપ ખુલવાનું સ્પષ્ટ હતું. માર્કેટ પોઝીટીવ ટોને જ ખુલ્યું હતું પરંતુ નવી સીસ્ટમને કારણે ભારે મુંઝવણ ઉભી થઇ હતી.
સેન્સેક્સ તેજી સુચવતો હતો જ્યારે નીફટી માઇનસમાં હતો. શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ફ્યુચર હેઠળના શેરોમાં બપોરે 3-30થી 3-40 સુધીનું ક્લોઝીંગ સેશન શરુ કરવામાં આવ્યું હોવાથી પ્રવર્તમાન અટપટ્ટી હાલત સર્જાઇ રહી છે.
કેશ માર્કેટ 3-30 વાગ્યે બંધ થઇ જતું હોય છે એટલે સ્પોટ નીફટીનો ભાવ આવી જાય છે ત્યારબાદ 10 મીનીટની ઉથલપાથલમાં નીફટી ફ્યુચરમાં મોટી વધઘટ જોવા મળે છે. બીજા દિવસે નીફટી સરભર થઇ જતી હોવા છતાં સેન્સેક્સમાં ફેરફાર થતો નથી.
આ સ્થિતિમાં ગ્રીન અને રેડઝોનની હાલત સર્જાઇ રહી છે. આજે પ્રારંભીક કામકાજમાં સેન્સેક્સ 235 પોઇન્ટ 274 પોઇન્ટ વધીને 78700 હતો જે ઉંચામાં 79055 તથા નીચામાં 78609 થયો હતો. તેની સામે નીફટી 15 પોઇન્ટ ઘટીને 24599 હતો જે ઉંચામાં 24677 તથા નીચામાં 24562 હતો. બેન્ક નીફટી માઇનસમાં હતો જ્યારે મીડકેપ નીફટી ગ્રીનઝોનમાં હતો.
શેરબ્રોકરોના કહેવા પ્રમાણે સોમવારથી દાખલ થયેલા ક્લોઝીંગ સેશનના કારણે આ મુંઝવણભરી પરિસ્થિતિ છે. ઇન્વેસ્ટરો ઉપરાંત બ્રોકરો પણ માથા ખંજવાળી રહ્યા છે. આ સ્થિતિ નિવારવા આવતા દિવસોમાં સેબી દ્વારા કોઇક નવો માર્ગ અપનાવવામાં આવે તેમ માનવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ક્લોઝીંગ સેશનમાં પ્રથમ દિવસે છેલ્લી મીનીટોમાં નીફટીમાં 200 પોઇન્ટ જેવો ઉછાળો આવ્યો હતો. ગઇકાલે મંગળવારે પણ આ જ સ્થિતિનું પુનરાવર્તન થયું હતું અને નીફટી ફ્યુચર 145 પોઇન્ટ જેટલી વધી ગઇ હતી.

