►બ્રેન્ટ ક્રૂડ 102 ડોલર : સોનુ 600-ચાંદી 1500 ઘટ્યા
રાજકોટ, તા.21
મુંબઇ શેરબજારમાં આજે નવા સપ્તાહના પ્રારંભ તેજી થઇ હતી. મોટાભાગના શેરોમાં ઉછાળા વચ્ચે સેન્સેક્સ 650 પોઇન્ટનો સુધારો સુચવતો હતો. સોના-ચાંદીમાં ગાબડા હતા. ક્રૂડ પણ તૂટ્યું હતું.
શેરબજારમાં આજે શરૂઆત સાવચેતીના ટોને થયા બાદ તેજીનો વળાંક આવી ગયો હતો. મધ્ય પૂર્વમાં હાકલા-પડકારા વચ્ચે અમેરિકા-ઇરાન વચ્ચે સમાધાનનો નવો માર્ગ ખુલવાના આશાવાદથી રાહત હતી.
ક્રૂડતેલમાં ઘટાડો, નાણાં સંસ્થાઓની જંગી લેવાલી સહિતના કારણોથી ટેકો મળ્યો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે માર્કેટ અનિશ્ર્ચિત હોવા છતાં ક્રૂડના ભાવ નીચે સરક્યા હોવાથી રાહત હતી. નવા કારણો-ઘટનાક્રમો પર મીટ માંડવામાં આવતી હતી.
શેરબજારમાં આજે પતંજલી, મેનકાઇન્ડ ફાર્મા, સોલાર ઇન્ડ, એચડીએફસી બેંક, રીલાયન્સ વોડાફોન, યસ બેંક, સુઝલોન, જ્યોતિ સીએનસી, વેલસ્પન, ટાટા એલેક્સી વગેરેમાં સુધારો હતો. ઓરેકલ ફાઇનાન્સ, ભારતી એરટેલ, બીએસઇ, ટાટા કેપીટલ વગેરેમાં ઘટાડો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સેક્સ 650 પોઇન્ટના સુધારાથી 74944 હતો તે ઉંચામાં 74987 તથા નીચામાં 74454 હતો. નિફટી 104 પોઇન્ટ વધીને 23450 હતો તે ઉંચામાં 23466 તથા નીચામાં 23314 હતો.
સોના-ચાંદીમાં ઘટાડો હતો. વિશ્વ બજારમાં સોનુ ગગડીને 4353 ડોલર હતું. હાજર સોનુ 6000ના ઘટાડાથી 158200 હતું. જ્યારે વાયદામાં 860 ઘટીને 153520 હતું. હાજર ચાંદી 1500 ઘટીને 243000 હતી જ્યારે વાયદામાં 1300ના ઘટાડાથી 240320 હતી. ક્રૂડતેલમાં પણ મંદીનો આંચકો હતો. ડબલ્યૂટીઆઇ ક્રૂડ 98.56 ડોલર તથા બ્રેન્ટ ક્રૂડ 101.99 ડોલર હતું. કરન્સી માર્કેટમાં ડોલર સામે રુપિયો 95.80 હતો.

