નવી દિલ્હી તા, 3 આજકાલ કોઈ ફાર્મસી સ્ટોરમાં જાઓ, ઓનલાઇન હેલ્થ પોર્ટલ સ્ક્રોલ કરો કે સોશિયલ મીડિયા ચેક કરો, તો તમને રોગપ્રતિકારક શક્તિ વધારવા, થાક દૂર કરવા અને શરીરને ઉર્જાવાન રાખવાના દાવા કરતી અસંખ્ય પ્રોડક્ટ્સ અને સપ્લિમેન્ટ્સની જાહેરાતો જોવા મળશે. મલ્ટીવિટામિન્સ અને વિટામિન-ડીના કેપ્સૂલથી લઈને પ્રોટીન પાવડર સુધીની આ વસ્તુઓ હવે લોકોની દિનચર્યાનો એક સામાન્ય ભાગ બની ગઈ છે.
ઘણા લોકો પોતાની અનિયમિત ખાવા-પીવાની ટેવને પહોંચી વળવા અથવા ભવિષ્યની બીમારીઓથી બચવા માટે રોજ સવારે પાણી સાથે ગોળીઓ લેવાનું એક ગેરંટી જેવું માનવા લાગ્યા છે. પરંતુ તબીબી નિષ્ણાતો સ્પષ્ટ જણાવે છે કે શરીરની ચોક્કસ જરૂરિયાત કે ઉણપ જાણ્યા વગર સપ્લિમેન્ટ્સ લેવાની આ આદત બિલકુલ યોગ્ય નથી.
સંતુલિત દેશી આહાર જ પોષક જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતો
નવી દિલ્હીના ફોર્ટિસ-સી-ડોક સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ડાયાબિટીસ એન્ડ એન્ડોક્રિનોલોજીના ચેરમેન અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ડો. અનૂપ મિશ્રા જણાવે છે કે મોટાભાગના સ્વસ્થ ભારતીયોને દરરોજ સપ્લિમેન્ટ્સ લેવાની કોઈ આવશ્યકતા હોતી નથી. જો આપણા રોજિંદા આહારમાં આખા અનાજ, વિવિધ કઠોળ, મોસમી શાકભાજી, તાજા ફળો, ડ્રાયફ્રૂટ્સ, દૂધ અને દહીં જેવી ડેરી પ્રોડક્ટ્સ સામેલ હોય, તો શરીરને જરૂરી તમામ પોષક તત્વો સહજ રીતે મળી રહે છે.
ભારતીય ભોજનમાં વિવિધતા હોવાના કારણે સામાન્ય સંજોગોમાં અલગથી વિટામિનની ગોળીઓ લેવાની જરૂર પડતી નથી, સિવાય કે શરીરમાં કોઈ ચોક્કસ ઉણપ હોવાનું નિદાન થયું હોય.
ચોક્કસ ઉણપ હોય તો જ ડોક્ટરની સલાહ અને બ્લડ ટેસ્ટથી નિર્ણય લેવો
બેંગલુરુની કિમ્સ હોસ્પિટલ્સના ન્યુક્લિયર મેડિસિન એન્ડ થેરાનોસ્ટિક્સના હેડ ડો. ગાયના શંકરમૂર્તિના જણાવ્યા અનુસાર, ભારતમાં ખાસ કરીને શાકાહારી લોકોમાં વિટામિન ઇ12 અને વિટામિન ઉની ઉણપ ખૂબ જ સામાન્ય રીતે જોવા મળે છે.
આ સિવાય સગર્ભા સ્ત્રીઓ માટે આયર્ન અને ફોલિક એસિડ તેમજ વૃદ્ધો માટે કેલ્શિયમ જરૂરી હોઈ શકે છે. પરંતુ આ દરેક પરિસ્થિતિ વ્યક્તિગત જરૂરિયાત પર આધારિત છે. શરીરમાં થાક કે વાળ ખરવા જેવા લક્ષણો દેખાય ત્યારે સીધા મેડિકલ સ્ટોરે દોડી જવાને બદલે યોગ્ય પ્રોપર બ્લડ ટેસ્ટ કરાવવો જોઈએ અને ડોક્ટરની સલાહ મુજબ જ સપ્લિમેન્ટ્સ શરૂ કરવા જોઈએ. સોશિયલ મીડિયા કે જાહેરાતો જોઈને પોતે જ ડોક્ટર બની જવું જોખમી છે.
બિનઆરોગ્યપ્રદ આહાર કે ખરાબ આદતોનો વિકલ્પ સપ્લિમેન્ટ્સ નથી
લોકોમાં એવી મોટી ગેરસમજ પ્રવર્તે છે કે દિવસભર જંક ફૂડ કે અસંતુલિત ખોરાક ખાધા પછી સાંજે એક સપ્લિમેન્ટ કે મલ્ટીવિટામિનની ગોળી લઈ લેવાથી આહારની તમામ કમી પૂરી થઈ જાય છે. તબીબો ચેતવણી આપે છે કે ન્યુટ્રિશનનું આ ગણિત સાવ ખોટું છે.
કુદરતી ખોરાકમાંથી મળતા વિટામિન, મિનરલ્સ, ફાઇબર અને પ્રોટીનનું જે સંયોજન શરીર મેળવે છે, તેની જગ્યા કોઈ કૃત્રિમ કેપ્સૂલ કે ટેબ્લેટ લઈ શકતી નથી. સપ્લિમેન્ટ્સ એ શરીરમાં આવેલી ચોક્કસ ઉણપને દૂર કરવા માટેનું એક સાધન છે, તે આપણી ખરાબ ખાનપાનની આદતો પર પડદો પાડવાનો કે દૈનિક વીમા પોલિસી જેવો કોઈ રસ્તો નથી.
અંધાધૂંધ વધુ પડતા સેવનથી શરીરમાં ગંભીર નુકસાનનું જોખમ
મેડિકલ સ્ટોર કે ઓનલાઇન કોઈપણ પ્રિસ્ક્રિપ્શન વગર સપ્લિમેન્ટ્સ સરળતાથી ઉપલબ્ધ છે તેનો અર્થ એવો બિલકુલ નથી કે તે સંપૂર્ણપણે હાનિકારક નથી. શરીરમાં જરૂરિયાત કરતા વધારે માત્રામાં વિટામિન્સ અને મિનરલ્સ જવાથી 'હાયપરવિટામિનોસિસ' જેવી ઝેરી અસરો ઊભી થઈ શકે છે.
ખાસ કરીને વિટામિન-એ, ડી, ઈ અને કે જેવા ચરબીમાં ઓગળતા વિટામિન્સ શરીરમાં જમા થાય છે અને લીવર કે કિડની પર વિપરીત અસર પાડી શકે છે. આ સિવાય એકસાથે અનેક જાતના સપ્લિમેન્ટ્સ લેવાથી તે ચાલી રહેલી અન્ય નિયમિત દવાઓ સાથે રિએક્શન પણ કરી શકે છે, તેથી તબીબી ચકાસણી વગર દરરોજ ગોળીઓ લેવાનું ટાળવું જોઈએ.
