અમદાવાદ, તા.2 નૃસિંહ જયંતી તથા વિશ્વ નૃત્ય દિવસની ઉજવણી નિમિત્તે અમદાવાદની વિખ્યાત નૃત્ય સંસ્થા નર્તન સ્કુલ ઓફ ક્લાસીકલ ડાન્સીસની તથા સંગીત નાટક અકાદમીના અમૃત એવોર્ડ વિજેતા ગુરુ શ્રીમતી સ્મિતા શાસ્ત્રીની ત્રણ બહુમુખી પ્રતિભાશાળી નૃત્યાંગનાઓ પ્રશિતા, વેણુ અને જહાનવીએ તામીલનાડુના તંજાબુર મેલાટટુર ખાતે યોજાયેલા નૃસિંહ જયંતી ફેસ્ટીવ નિમિત્તે ભામા કલાયમ નૃત્ય નાટિકાની ઉત્તમ પ્રસ્તુતિ કરીને પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા.
ઉપસ્થિત વિદ્વાનો અને કલા રસિકોએ વારંવાર તાળીઓના ગડગડાટથી કલાકારોને પ્રોત્સાહિત કરીને વધાવી લીધા હતા. ગુજરાતી નૃત્યાંગનાઓએ તેલુગુ ભાષામાં ગીતો ગાઇને તામીલનાડુ ખાતે અદ્ભુત નૃત્ય પ્રસ્તુતિ કરી હતી. મેલાટટુર ભાગવત મેલા નાટય નાટકના ટ્રસ્ટી તથા આયોજક મહાલીગમજીએ કલાગુરુ સ્મિતા શાસ્ત્રી, સત્ય નારાયણજી તથા ગુજરાતી નૃત્યાંગનાઓનું મોમેન્ટો આપીને ઉમળકાભેર સન્માન કરેલ હતું.
આ પ્રસંગે કુ. પ્રશિતાએ સત્યભામાનું વેણુ અયાચિતે ભગવાન શ્રી કૃષ્ણનું તથા જહાનવીએ સૂત્રધારનું પાત્ર ખૂબ જ સફળતાપૂર્વક પ્રસ્તુત કર્યું હતું.

