Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ટીબી મુક્ત ભારત અભિયાન : દેશમાં સર્વશ્રેષ્ઠ સુધારા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે

ટીબી મુક્ત ભારત અભિયાન : દેશમાં સર્વશ્રેષ્ઠ સુધારા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્ય મંત્રી મંડળની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ પત્રકારોને વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મહત્વાકાંક્ષી 'ટીબી મુક્ત ભારત અભિયાન' અંતર્ગત ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

ભારત સરકારના અહેવાલ મુજબ વર્ષ 2015ની સરખામણીએ વર્ષ 2024માં ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓના દરમાં 34% અને ટીબીના કારણે થતા મૃત્યુદરમાં 37%નો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આ બેજોડ પ્રદર્શનને કારણે ગુજરાતને વર્ષ 2025માં "સ્ટેટ્સ વીથ મોસ્ટ ઈમ્પ્રુવમેન્ટ" (સૌથી વધુ સુધારો દર્શાવતું રાજ્ય) શ્રેણીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે.

વધુમાં જણાવ્યું કે, ભારત સરકારના અદ્યતન અહેવાલ અનુસાર વર્ષ 2024 દરમિયાન ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓનો અંદાજિત દર પ્રતિ એક લાખ વસ્તીએ 186 નોંધાયો છે. આ આંકડાના આધારે ગુજરાતે દેશના સૌથી ઓછું ટીબીનું ભારણ ધરાવતા રાજ્યોમાં છઠ્ઠો ક્રમ અને દેશના મોટા રાજ્યોની શ્રેણીમાં ચોથો ક્રમ હાંસલ કરીને હેલ્થ સેક્ટરમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.

ચાલુ વર્ષની કામગીરીની આંકડાકીય વિગતો આપતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, જાન્યુઆરીથી મે-2026 દરમિયાન ભારત સરકાર દ્વારા પ્રો-રેટા મુજબ નિર્ધારિત 58,333ના લક્ષ્‍યાંક સામે રાજ્યમાં 57,334 એટલે કે 98.30% ટીબીના દર્દીઓને સમયસર શોધીને સારવાર હેઠળ આવરી લેવાયા છે. આરોગ્ય તંત્રની સઘન કામગીરીના પરિણામે આ દર્દીઓમાંથી 50,928 એટલે કે 91% દર્દીઓ ટૂંકા ગાળામાં જ સંપૂર્ણ રોગમુક્ત થયા છે.

ભારત સરકાર દ્વારા તા. 24 માર્ચ, 2026થી શરૂ કરાયેલ 'ટીબી મુક્ત ભારત અભિયાન - 100 દિવસ ઝુંબેશ' અંતર્ગત ગુજરાતના 5,012 ઉચ્ચ જોખમ (ઇંશલવ-છશતસ) ધરાવતા ગામોમાં આરોગ્ય ટુકડીઓ દ્વારા ઘરે-ઘરે જઈને ટીબી સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar