નવી દિલ્હી નેશનલ હાઈવે પર મુસાફરી કરતી વખતે ટોલ પ્લાઝા પાર કરવા માટે ટોલ ટેક્સ ચૂકવવો અનિવાર્ય છે. સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે ટોલ પ્લાઝાની નજીક રહેતાં સ્થાનિક લોકો માત્ર પોતાનું કોઈ ઓળખપત્ર ID કાર્ડ બતાવીને ટોલમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવી શકે છે. જો કે, ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળ (NHAI) એ સત્તાવાર રીતે સ્પષ્ટતા કરીને આ વાતને તદ્દન ખોટી અને એક અફવા ગણાવી છે.
NHAI એ પોતાનાં સત્તાવાર 'X' હેન્ડલ પરથી પોસ્ટ શેર કરીને આ બાબતનું સત્ય જાહેર કર્યું છે. સત્તામંડળના જણાવ્યાં અનુસાર, સ્થાનિક લોકો માટે આ પ્રકારે આઈડી કાર્ડ બતાવીને મફતમાં મુસાફરી કરવાની કોઈ જોગવાઈ નિયમોમાં નથી. ટોલ પ્લાઝાની આસપાસનાં વિસ્તારમાં રહેતાં લોકો માટે માત્ર મફત એન્ટ્રીનો કોઈ નિયમ અસ્તિત્વ ધરાવતો નથી.
નિયમો અનુસાર, જે સ્થાનિક લોકો પાત્રતા ધરાવે છે તેઓ નક્કી કરેલી શરતો હેઠળ 'લોકલ મંથલી પાસ' કઢાવીને ટોલ ટેક્સમાં રાહત મેળવી શકે છે. સામાન્ય રીતે આ સુવિધા ટોલ પ્લાઝાથી આશરે 20 કિલોમીટરના વિસ્તારમાં રહેતાં લોકો માટે જ ઉપલબ્ધ હોય છે. આ સાથે જ, દરેક ટોલ પ્લાઝાના પોતાનાં ભૌગોલિક સ્થાન અને નિયમો અલગ-અલગ હોઈ શકે છે.
ગંદા શૌચાલયનો ફોટો મોકલવા પર મળશે 1000નું ઇનામ
નેશનલ હાઈવે પર સ્વચ્છતા જાળવી રાખવા માટે NHAI દ્વારા એક અનોખી સ્પર્ધા શરૂ કરવામાં આવી છે. સત્તામંડળે 30 જૂન 2026 સુધી 'ક્લીન ટોયલેટ પિક્ચર ચેલેન્જ' લોન્ચ કરી છે, જે અંતર્ગત હાઈવે પર મુસાફરી કરતાં લોકોને ભાગ લેવા અપીલ કરાઈ છે.
આ અંતર્ગત જો કોઈ મુસાફરને કોઈ ટોલ પ્લાઝા પર શૌચાલય ગંદુ જોવા મળે, તો તેમણે 'રાજમાર્ગ યાત્રા' એપના નવા વર્ઝનનો ઉપયોગ કરીને લોકેશન સાથેનો લાઈવ ફોટો અપલોડ કરવાનો રહેશે.
ફોટો અપલોડ કરવાની સાથે મુસાફરે પોતાનું નામ, લોકેશન, વાહન નંબર અને મોબાઈલ નંબરની વિગતો આપવી પડશે. આ રીતે સાચી માહિતી આપનારા પસંદગીનાં મુસાફરોને ઇનામ તરીકે 1,000નું મફત FASTag રિચાર્જ આપવામાં આવશે.

