Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ટ્રેનમાં બાથરૂમની છતમાં અને વ્હીલની બાજુમાં બાસ્કેટમાં છુપાવેલ મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ટ્રેનમાં બાથરૂમની છતમાં અને વ્હીલની બાજુમાં બાસ્કેટમાં છુપાવેલ મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

◙ દારૂની 424 બોટલો મળી આવતાં સપ્લાયર અને રીસીવરની શોધખોળ, પીએસઆઇ જે.એમ.પરમાર અને ટીમની કાર્યવાહી

રાજકોટ. તા.05
થિરુવંતપુરમ-પોરબંદર એક્સપ્રેસમાં થતી દારૂની હેરાફેરીનો રાજકોટ રેલ્વે એલસીબીની ટીમે પર્દાફાશ કર્યો છે. ટ્રેનમાં બાથરૂમની છતમાં અને વ્હીલની બાજુમાં બાસ્કેટમાં છુપાવેલ મોટો વિદેશી દારૂનો જથ્થો પોરબંદર રેલ્વે યાર્ડમાંથી પકડી સપ્લાયર અને રીસીવરની શોધખોળ આદરી છે.

દરોડાની વિગત મુજબ, રેલવેના ડીઆઇજી કે.એન.ડામોર અને પશ્ચિમ રેલવે એસપી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ રેલવેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ સૂચના અંતર્ગત એલ.સી.બી. ઝોન-2 અમદાવાદ પીઆઈ જી.આર.દેસાઈના સુપરવિઝન હેઠળ રાજકોટ રેલવે એલસીબી ટીમનો સ્ટાફ રાજકોટ રેલવે સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં તે દરમિયાન એએસઆઈ રામજીભાઈ, કોન્સ્ટેબલ ભુપતભાઈ અને જયેશભાઈને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી હતી કે તિરુવનંતપુરમ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે.

જે બાતમીના આધારે પોલીસ ટીમે રાજકોટથી પોરબંદર સુધી ટ્રેનમાં વોચ ગોઠવી હતી. ટ્રેન પોરબંદર ખાતે યાર્ડમાં ઉભેલી હતી ત્યારે તેના બી-1, બી-2 અને બી-6 કોચમાં તપાસ કરતા બિનવારસી હાલતમાં મોટો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ટ્રેનમાંથી જુદી-જુદી બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 424 બોટલ રૂ.1,11,480 નો જથ્થો કબ્જે કર્યો હતો. આ અંગે જામનગર રેલવે પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વધુમાં પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે, આ દારૂનો જથ્થો ગોવા તરફથી આવ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. દારૂ મોકલનાર બુટલેગરે ટ્રેનમાં રહેલ બાથરૂમની ઉપરની છતના સ્ક્રુ ખોલી તેની અંદર દારૂનો જથ્થો સંતાડ્યો હતો. તેમજ એસી કોચમાં ટ્રેન નીચે આવેલ વ્હીલની બાજુમાં રહેલ બેટરીના બાસ્કેટમાં પણ દારૂનો જથ્થો સંતાડ્યો હતો. હાલ પોલીસે દારૂ મોકલનાર અને અહીં સ્થાનિક રીસીવર કરનાર બુટલેગરની શોધખોળ આદરી છે

જે દરોડાની કામગીરીમાં રાજકોટ રેલ્વે એલસીબી પીએસઆઇ જે.એમ.પરમાર, એએસઆઈ રામજીભાઈ, ધર્મેન્દ્રસિંહ, કોન્સ્ટેબલ ભુપતભાઈ, જયેશભાઈ અને હસમુખભાઈ સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar