Dailyhunt
TRP ગેમઝોન અગ્નિકાંડની ચર્ચાસ્પદ બનેલ વોર્ડ નં.10માં ઓવર કોન્ફીડન્સ ભાજપને ભારે પડી શકે!

TRP ગેમઝોન અગ્નિકાંડની ચર્ચાસ્પદ બનેલ વોર્ડ નં.10માં ઓવર કોન્ફીડન્સ ભાજપને ભારે પડી શકે!

◘ પાણી સહિતના પ્રશ્નો સંપૂર્ણ ન ઉકેલાયા : નિરૂભા વાઘેલા કપાશે : પછાત વર્ગના ઉમેદવારની શોધખોળ

રાજકોટ, તા. 27
પશ્ચિમ રાજકોટમાં મોટો પોશ એરીયા ધરાવતા વોર્ડ નં.10ની આગામી ચૂંટણી અનામત બેઠકોમાં ફેરફારોના કારણે ઘણા રાજકીય સંજોગો પણ બદલે તેવું લાગી રહ્યું છે. વિકસીત વિસ્તારમાં હવે એક પછાત વર્ગ પુરૂષ આવતા બે થી ત્રણ કોર્પોરેટર ટીકીટમાંથી કપાશે તેવું લાગે છે.

વોર્ડ નં.8 અને 9ની જેમ આ વોર્ડ ભાજપનો ગઢ રહ્યો છે, પરંતુ આ વોર્ડમાં ઉમેદવારોની પસંદગી સહિતની પ્રક્રિયામાં જો ભાજપ ઓવર કોન્ફીડન્સ રહે તો પડકારો વધી જાય તેવું પણ વાતાવરણ છે.

2021 પહેલાની પાંચ વર્ષની ટર્મમાં આ વોર્ડમાં ભાજપની પેનલ ભાંગી હતી અને કોંગ્રેસમાંથી મનસુખભાઇ કાલરીયા ચૂંટાયા હતા અને છેલ્લે સુધી પુરા વોર્ડમાં દોડયા હતા. આ વોર્ડમાં અનિશ્ચિત વોટબેંક પણ રહેલી છે અને તે કારણે કોંગ્રેસે અત્યારથી ચારમાંથી બે ઉમેદવાર નકકી કરી લીધાનું બહાર આવ્યું છે. આ વોર્ડમાં આમ તો રોજિંદી સમસ્યાના બહુ મોટા પડકારો નથી.

પરંતુ રાજકોટ સહિત પુરા ગુજરાતને ધ્રુજાવી દેનાર ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ આ જ વોર્ડમાં આવેલા નાના મવા વિસ્તારમાં સર્જાયો હતો. આ ઘટનાએ પૂરા રાજયને ધ્રુજાવી દીધુ હતું. ર7 લોકોનો ભોગ લેનાર આ ઘટનાએ મહાપાલિકામાં ભ્રષ્ટાચારના બોમ્બ ફોડયા હતા અને અધિકારીઓ એસીબીથી માંડી ઇડી સુધીની તપાસમાં ફસાયા હતા. તાજેતરમાં કોંગ્રેસે ભ્રષ્ટાચારની કરેલી રજુઆતમાં આ મુદ્દો પણ હતો.

કામોની વાત કરીએ તો આ વોર્ડમાં ડીઆઇ પાઇપલાઇન, રસ્તા અને પેવિંગ બ્લોક સહિતના કામો પણ ખુબ થયા છે. પરંતુ દુષિત પાણીનો પ્રશ્ન યુનિ. રોડ, નિર્મલા રોડ, એ.જી.સોસાયટી, પુષ્કરધામ રોડ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રોડ પર આવતો રહ્યો છે.

રાજકોટ-69ના આ વોર્ડમાં કડવા પટેલ ચેતન સુરેજા, લેઉવા પટેલ જયોત્સનાબેન ટીલાળા, ક્ષત્રિય નિરૂભા વાઘેલા અને ઓબીસીમાંથી રાજેશ્રીબેન ડોડીયા ચૂંટાયેલા હતા. હવે પછાત વર્ગમાં પુરૂષ બેઠક આવી છે.

કડવા પટેલ ઉમેદવાર ચોકકસ ચૂંટણી લડશે. પરંતુ નિરૂભાનું નામ બદલાય તેવું નિશ્ર્ચિત થઇ રહ્યું છે. તેમના પરિવારના કોઇ મહિલા ચૂંટણી લડી શકે છે. અન્ય ક્ષત્રિય મહિલા આગેવાનો પણ આગળ આવી રહ્યા છે. આ વોર્ડમાં સૌથી વધુ 14 હજાર કડવા પાટીદાર મતદારો છે.

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઇ રૂપાણીનો પરિવાર વોર્ડ નં.10ની પ્રકાશ સોસાયટીમાં રહે છે. મઢીથી માંડી જડુસ બ્રીજ સુધીનો વિસ્તાર આ વોર્ડમાં સામેલ છે. ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં આમ તો અધિકારીઓના જ તપેલા ફુટયા છે. પરંતુ ભાજપ ખુબ બદનામ થયો હતો. આથી નવી ચૂંટણી અને નવા નામો પર સૌની નજર રહેશે.

ટીપી સમિતિના ચેરમેન ચેતન સુરેજા લગભગ કોઇ અંગત વિવાદમાં આવ્યા નથી. પરંતુ આ વોર્ડમાં કડવા પટેલ સમાજમાંથી અન્ય કેટલાક આગેવાનો પણ થનગની રહ્યા છે. વિપક્ષ પણ નામ નકકી કરવા લાગ્યો હોય આ વોર્ડમાં ભાજપને મુકાબલો તો જોવો પડશે તે નકકી છે.

વોર્ડ નં.10ના વિસ્તારોની યાદી

મતદારો 48802 : ગામ નાનામવા. મોટામવા અને મંજકાના ત્રિભેટાથી શરૂ કરીને, ત્યાંથી ઉત્તર તરફ મુંજકા-કવાર્ટર વાળા ચોક થઈને પૂર્વ તરફ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ તરફ આગળ ચાલતાં રાજકોટ સીમાડા ઉપર આગળ ચાલતાં, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલ કર્મચારીઓના એસ.એન.કે. સ્કૂલનો વોર્ડમર્મા સમાવેશ કરી ચનિવર્સિટી રોડ ઉપર આગળ ચાલતાં યુનિવર્સિટીના ગેઈટમાંથી પસાર થઈ સી.બી.આઈ. કવાર્ટર, કીડની હોસ્પિટલ, પંચાયતનગર, રોયલ પાર્કનો વોર્ડમાં સમાવેશ કરી ઇન્દિરાનગર સર્કલ સુધી, ત્યાંથી ઉત્તર તરફ બી.આર.ટી.એસ. રીંગ રોડ ઉપર આગળ ચાલતાં શિવસંગમ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર તિરૂપતિ નગરનો વોર્ડમાં સમાવેશ કરી આગળ ચાલતા રૈયા ચોકડી સુધી, ત્યાંથી પૂર્વ તરફ રૈયા રોડ ઉપર આગળ ચાલતા હનુમાન મઢી ચોક સુધી, ત્યાંથી દક્ષિણ તરફ નિર્મલા કોન્વેન્ટ રોક ઉપર આગળ ચાલતાં કોટેચા ચોક સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ કાલાવડ રોક ઉપર આગળ ચાલતા શાંતિનિકેતન સોસાયટી, સેન્ટ મેરી સ્કૂલનો વોર્ડમાં સમાવેશ કરી કે.કે.વી. હોલ ચોક થઇ, બી.આર.ટી.એસ. રીંગ રોડને ક્રોસ કરી, આત્મીય કોલેજ પાસેના સત્ય સાંઇ હાર્ટ હોસ્પિટલ રોડ સુધી, ત્યાંથી દક્ષિણ તરફ સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ ઉપર આગળ ચાલતાં સ્વાતિ સોસાયટી, સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલ, આલાપ હેરીટેજનો વોર્ડમાં સમાવેશ કરી, નાનામવા મેઈન રોડ સુધી, ત્યાંથી પશ્ચિમ તરફ નાનામવા મેઇન રોડ ઉપર આગળ ચાલતાં ગાંધી સ્કૂલ, નાનામવા ગામતળનો વોર્ડમાં સમાવેશ કરી નાનામવા મેઈન રોડ ઉપર મોકલજી સર્કલ સુધી, ત્યાંથી ઉત્તર તરફ 24 મીટર રોડ ઉપર આગળ ચાલતાં, સયાજી હોટલને વોર્ડમાં સમાવેશ કરી વોકળા સુધી ત્યાંથી પશ્ચિમ તરફ વોકળાની ઉત્તર હદે આગળ ચાલતાં રૂડા સાઈટ એન્ડ સર્વિસ- 1ને વોર્ડમાં સમાવેશ કરી, આગળ ચાલતાં કાલાવડ રોડ સુધી ત્યાંથી કાલાવડ રોડ ઉપર પશ્ચિમ તરફ આગળ ચાલતાં પ્રેમ મંદિર, ગાયત્રી મંદિરનો વોર્ડમાં સમાવેશ કરી, નાનામવા-મોટામવા સીમાડા સુધી, ત્યાંથી ઉત્તર તરફ નાનામવા-મોટામવાના સીમાડા ઉપર આગળ ચાલતા રૂડાનગર-2 વિષ્ણુવિહાર સોસાયટીનો વોર્ડમાં સમાવેશ કરી, નાનામવા, મોટામવા અને મુંજકાના ત્રિભેટા સુધીનો સમાવિષ્ટ તમામ વિસ્તાર.

વોર્ડ નં.10નો સૌથી મોટો પ્રશ્ન દુષિત પાણી

◘જ્યાં સાત રસ્તા ભેગા થાય છે એ એ.જી.ચોકમાં રોજ થતા અકસ્માતો જોખમી

રાજકોટ, તા. 27
વોર્ડ નં.10માં પણ પાડોશી વોર્ડ નં.8 અને 9ની જેમ દુષિત પાણીનો પ્રશ્ન છે. યુનિ. રોડ સહિતના વોર્ડ નં.10માં ગંદુ અને પીળુ પાણી આવતું હોવાની સતત ફરિયાદો રહી છે.

આ વોર્ડમાં પાણીની જરૂરીયાત અને સપ્લાય સામે ફિલ્ટર પ્લાન્ટની ક્ષમતા ઓછી છે. આથી બાયપાસ કરીને પાણી આપવું પડે છે. આ કારણે દુષિત પાણીની ફરિયાદોનો ઢગલો વિસ્તારના લોકો કરતા રહ્યા છે. અન્ય એક પ્રશ્ન ટ્રાફિકનો છે. એ.જી.ચોકમાં સાત રસ્તા ભેગા થાય છે. જડુસ બ્રીજથી ઉતરતા વાહનો ટ્રાફિકમાં અટકે છે.

ગૌરવપથના કારણે મનપા આ ચોકમાં સ્પીડબ્રેકર મુકતી નથી. પોલીસ કમિશ્ર્નર સમક્ષ પણ આ પ્રશ્ન રજુ થઇ ચુકયો છે. રોજ એકાદ બે અકસ્માત થતા હોવા છતાં આ પ્રશ્ન વિસ્તારના લોકો માટે કોઇ તંત્ર ઉકેલી શકયું નથી. ગંદા પાણી અને ટ્રાફિકના આવા પ્રશ્ન લોકોને યાદ છે તે પણ હકીકત છે.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar