તહેરાન, તા.2 મિડલ ઈસ્ટમાં ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે એક અત્યંત મહત્ત્વપૂર્ણ ઘટના સામે આવી છે. ઈઝરાયલે તેના મિત્ર દેશ યુએઈ (UAE)ને ઇરાની હુમલાઓથી બચાવવા માટે વિશ્વની સૌથી અદ્યતન લેસર શસ્ત્ર પ્રણાલી 'આયર્ન બીમ' ગુપ્ત રીતે તહેનાત કરી હોવાના અહેવાલ છે.
ઇરાનના મિસાઇલ અને ડ્રોન હુમલાઓને ખાળવા માટે ઇઝરાયલે માત્ર આયર્ન બીમ જ નહીં, પરંતુ સંરક્ષણ સાધનોનો આખો કાફલો યુએઈને પૂરો પાડ્યો છે.
આ સંરક્ષણ સહયોગમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે ઇઝરાયલે માત્ર શસ્ત્રો જ નહીં, પરંતુ તેના સંચાલન માટે પોતાના ડઝનબંધ સૈનિકોને પણ યુએઈમાં મોકલ્યા હતા. બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું અને અભૂતપૂર્વ પગલું માનવામાં આવે છે.
યુદ્ધની ઝડપી ગતિને જોતા, ઇઝરાયલે તેના કેટલાક એવા શસ્ત્રો પણ યુએઈ પહોંચાડ્યા હતા જે હજુ પ્રોટોટાઇપ પરીક્ષણના તબક્કામાં હતા. આ સિસ્ટમો ઇઝરાયલની પોતાની રડાર સિસ્ટમ સાથે સંપૂર્ણ સંકલિત નહોતી, તેમ છતાં યુએઈએ ઇરાનના મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવવા માટે આ પ્રણાલીઓનો અસરકારક ઉપયોગ કર્યો હતો.
28મી ફેબ્રુઆરી, 2026ના રોજ અમેરિકા અને ઇઝરાયલે ઇરાન પર હુમલા કર્યા બાદ ઇરાને વળતો પ્રહાર કર્યો હતો. ઇરાને યુએઈ પર 500થી વધુ બેલિસ્ટિક મિસાઇલો અને આશરે 2,000 ડ્રોન છોડ્યા હતા. યુએઈને નિશાન બનાવવાનું મુખ્ય કારણ 2020માં ઇઝરાયલ સાથે થયેલા ઐતિહાસિક મિત્રતા કરાર હોવાનું માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છેકે, ઇઝરાયલના આ સુરક્ષા કવચને કારણે યુએઈ ઇરાનના ભયાનક હુમલાઓ સામે પોતાની રક્ષા કરવામાં સફળ રહ્યું છે.

