સુરત, તા.7 સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ વચ્ચે રાંદેર વિસ્તારમાં એક અત્યંત કણ અને હૃદયદ્રાવક ઘટના બની હતી. રાંદેરગામમાં ધોધમાર વરસાદમાં નાહ્યા બાદ એક યુવકને લોખંડની સીડીમાંથી જોરદાર વીજ કરંટ લાગ્યો હતો. મિત્ર અને પાડોશીને તડફડતો જોઈ તેને બચાવવા જતા બીજા યુવકનું પણ મોત નિપજ્યું હતું.
મળતી વિગતો અનુસાર, રાંદેરગામમાં મોટી મસ્જિદ પાસે આવેલી સુઝાતખાન સ્ટ્રીટમાં 28 વર્ષીય આઝમ આલમ અબ્દુલ કમાલ રહેતો હતો સાંજે સુરતમાં પડેલા ધોધમાર વરસાદમાં આઝમ ઘરની બહાર વરસાદી પાણીમાં નાહવા માટે ગયો હતો.
વરસાદમાં નાહ્યા બાદ તે ભીના કપડે પરત ઘરમાં આવી રહ્યો હતો. આ દરમિયાન ઘરની લોખંડની સીડી ચઢતી વખતે તેમાં ઉતરેલા શોર્ટ સર્કિટના ભારે કરંટની ચપેટમાં આઝમ આવી ગયો હતો. કરંટ એટલો જોરદાર હતો કે આઝમ ત્યાં જ ફસડાઈ પડ્યો હતો અને ચીસાચીસ કરી મૂકી હતી.
આઝમને કરંટ લાગ્યો હોવાની અને તે તરફડી રહ્યો હોવાની જાણ પાડોશમાં જ રહેતા તેના મિત્ર 43 વર્ષીય મોહમ્મદ સલમાન મોહમ્મદ ઈરશાદ શેખને થઈ હતી. તે આઝમને બચાવવા માટે દોડ્યો હતો.
પરંતુ કમનસીબે, જેવો સલમાને આઝમને પકડવાનો કે બચાવવાનો પ્રયાસ કર્યો, તે સાથે જ ભીના શરીરના કારણે હાઈવોલ્ટેજ કરંટ સલમાનના શરીરમાં પણ પસાર થઈ ગયો હતો. જોતજોતામાં બંને મિત્રો કરંટના કારણે ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા.

