(મીલન ઠકરાર) વેરાવળ, તા.5 વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી તથા ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટસના સંયુક્ત ઉપક્રમે 'કાલ ગણના' વિષય પર શ્રાવણ વ્યાખ્યાન શ્રેણીનો પ્રારંભ પ્રથમ સત્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. સુકાંત કુમાર સેનાપતિની અધ્યક્ષતામાં યોજાયું હતું. આ તકે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ, બરોડાના પ્રાદેશિક નિયામક અરૂપા લાહિરી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અનુસ્નાતક વિભાગના ડિરેક્ટર-ઈન્ચાર્જ ડો.ડી.એમ. મોકરિયા, પ્રિન્સિપાલ ડો. નરેન્દ્ર પંડ્યા હાજર રહેલ અને કેરળના એર્નાકુલમના ત્રિપુનિથુરા સ્થિત સરકારી સંસ્કૃત કોલેજના જ્યોતિષ વિભાગના અધ્યક્ષ પ્રો.ઈશ્વરન ઈ.એન. મુખ્ય વક્તા હતા. સમય પરના તેમના વ્યાખ્યાનમાં, તેમણે સરળ ઉદાહરણ દ્વારા ભારતીય સમય ગણતરી પ્રણાલીને સ્વાભાવિક રીતે શક્તિશાળી અને ઉત્તમ ગણાવી.
સમયના વિવિધ ઘટકો, જેમ કે ત્રુટિ, પ્રાણ, ઘટી અને પલ ના વૈજ્ઞાનિક સ્વરૂપને સમજાવતા તેમણે કહ્યું કે ભારતીય સમય ગણતરી પદ્ધતિનો ઉપયોગ સમયના ઉદયથી જ કોઈપણ વિકૃતિ કે ભૂલો વિના કરવામાં આવે છે. તેમણે સોમવાર, મંગળવાર અને રવિવાર જેવા દિવસોની ગણતરી કરવાની વૈજ્ઞાનિક પ્રક્રિયા ને વિવિધ ચિત્રો દ્વારા પણ સમજાવી હતી.
બીજા વક્તા યુનિવર્સિટીના જ્યોતિષ વિભાગના અધ્યક્ષ અને વ્યાખ્યાનમાળા ના કોર્ડીનેટર ડો. નિત્યાનંદ ઓઝા એ ભારતીય સમય ગણતરી અને આધુનિક સમય ગણતરી વિશે ઉદાહરણો સાથે વિગતવાર વાત કરી. તેમણે ભારતીય સમય ગણતરીમાં સેક્ધડના 332,000 માં ભાગ, જેને ત્રુટિ તરીકે ઓળખવામાં આવે છે, તે પણ સમજાવ્યું અને કહ્યું કે આપણા જ્યોતિષમાં મિનિટ મૂલ્યોથી લઈને અબજો વર્ષ સુધીની ગણતરી ઓ પ્રચલિત છે.
તેની વિશિષ્ટ વિશેષતા એ છે કે આધુનિક ગ્રેગોરિયન કેલેન્ડર થી વિપરીત, તેમાં કોઈ ભૂલો નથી. ડો. ઓઝાએ આધુનિક સમય ગણતરી માં ભૂલો પર પ્રકાશ પાડતા કહ્યું કે આધુનિક પદ્ધતિ યોગ્ય નથી કારણ કે 3200 વર્ષ પછી એક દિવસનો તફાવત હોય છે. ડિરેક્ટર અરૂપા લાહિરી એ કાર્યક્રમનો પરિચય કરાવ્યો અને બધાનું મૌખિક સ્વાગત કર્યું. જ્યોતિષ વિભાગના સહાયક પ્રોફેસર ડો. અપૂર્વ અગ્રવાલે આભારવિધિ કરી હતી અને જ્યોતિષશાસ્ત્રના એમ.એ. વિદ્યાર્થી આસ્કા લાવડિયા એ કાર્યક્રમનું સંચાલન કર્યું હોવાનું એક યાદીમાં જણાવેલ છે.

