રાજકોટ માલધારી ફાટક પાસે વિમલ લેવા નીકળેલો યુવાન ટ્રેન હેઠળ કપાઈ ગયો હતો. તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, સત્યનારાયણ સિગાદન બિન (ઉંમર વર્ષ 31, રહે. ગુલાબનગર, ગોંડલ રોડ, રાજકોટ) ગઈકાલે રાત્રે માલધારી ફાટક પાસે હતો ત્યારે કોઈ કારણોસર ટ્રેન હડફેટે આવી જતા ટ્રેન હેઠળ તેનું માથું, પગ સહિતના અંગો કપાઈ ગયા હતા.
આજીડેમ પોલીસને જાણ થતા પીએસઆઇ ડી. કે. ધાંધલા તેમની ટીમ સાથે દોડી ગયા હતા.
સ્થળ પર 108ના ઈએમટીએ સત્યનારાયણને મૃત જાહેર કરવાની કાર્યવાહી કરી હતી. પોલીસે પંચનામા સહિતની કાગળ કામગીરી કરી મૃતદેહ પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. મૃતકના ખિસ્સામાંથી મળેલ મોબાઈલ ફોનના આધારે તેમના પરિવારજનોનો સંપર્ક થયો હતો. મૃતક મૂળ બિહારનો વતની હતો. પણ રાજકોટમાં કારખાનામાં મજૂરી કરતો હતો. તેમના બે ભાઈઓ પણ તેમની સાથે જ રાજકોટમાં રહેતા હોય તેઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
જાણવા મળેલ કે, રાત્રે જમીને સત્યનારાયણ વિમલ લેવા નીકળ્યો હતો. ત્યારે પાટા ક્રોસ કરતી વખતે અગર તો કોઈ અકસ્માતે ટ્રેન હડફેટે ચડી ગયાનું અનુમાન છે. આપઘાતના એંગલથી પણ પરિવારજનોની પુછપરછ કરાઈ હતી પણ આપઘાત કરવા કોઈ કારણ ન હોય અને એવા સંજોગ ન હોય, જેથી બનાવ અકસ્માતનો હોવાના અનુમાન સાથે પોલીસ દ્વારા વધુ તપાસ યથાવત રખાઈ હતી.

