Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
વિંછીયાની મહિલાએ 15 હજારના 66 હજાર ચૂકવ્યા છતાં પણ વ્યાજખોરે દાગીના પડાવી દીધા

વિંછીયાની મહિલાએ 15 હજારના 66 હજાર ચૂકવ્યા છતાં પણ વ્યાજખોરે દાગીના પડાવી દીધા

રાજકોટ. તા.03 વિંછિયામાં વ્યાજખોર બેફામ બન્યો હતો. મહિલાએ બીમારીની સારવાર માટે પાડોશમાં રહેતા શખસ પાસેથી રૂ.15 હજાર વ્યાજે લીધા હતા. જેના બદલામાં રૂ.66 હજાર ચૂકવી દીધા છતાં આ શખ્સ ચાર મહિનાના વ્યાજની ઉઘરાણી કરી મહિલાએ ગીરવે મૂકેલા દાગીના પડાવી લીધા હતા. એટલું જ નહીં જો વ્યાજની રકમ નહીં ચૂકવે તો ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.

જે અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે મની લેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી. બનાવ અંગે વિંછિયામાં બોટાદ રોડ પર રહેતા મધુબેન વલ્લભભાઈ પાટડીયા (ઉ.વ.40) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા કનુ ભીખા રાવળનું નામ આપી જણાવ્યું હતું કે, વર્ષ 2022 માં તે બીમાર પડતાં પૈસાની જરૂરિયાત હોય જેથી પાડોશમાં રહેતા કનુ પાસેથી રૂ.15 હજાર વ્યાજ લીધા હતા,

જેના જામીન પેટે સોનાની બુટ્ટી અડધા તોલાની અને ચાંદીના સડા 500 ગ્રામના તેની પાસે ગીરવે મૂકયા હતા. વ્યાજે રકમ લીધા બાદ દર મહિનાની પહેલી તારીખે મહિલા કનુના ઘરે જઈ વ્યાજના રૂ.1500 ચૂકવતી હતી.

છેલ્લા ચારેક મહિનાથી મહિલા પાસે પૈસાની સગવડ ન થતા તે વ્યાજના ચૂકવી શકતી ન હતી. જેથી કનુએ આ ચાર મહિના દરમિયાન ત્રણેક વખત ઘરે આવી વ્યાજની પઠાણી ઉઘરાણી કરી કહેતો હતો કે, જો તમે વ્યાજના પૈસા નહીં આપો તો તમારા ઘરેણાં વેચાવી નાખીશ તેમ કહી ગાળો આપી ટાંટીયા ભાંગી નાખવાની ધમકી આપી હતી.

દરમિયાન મહિલા પાસે પૈસાની સગવડતા થતા તેણે ગઈ તા.28 ના સાંજના કનુ પાસે જઈ રૂ.15 હજાર રોકડ આપ્યા હતા, જે કનએ લઇ લીધા હતાં. બાદમાં મહિલાએ તેની પાસે દાગીના માંગતા તેણે કહ્યું હતું કે, છેલ્લા ચાર મહિનાથી વ્યાજના પૈસા આપ્યા નથી તે આપીશ પછી જ તમારા ઘરેણા પાછા આપીશ અને જો તું મારા ઘરે ઘરેણા લેવા આવી તો તારા ટાંટિયા ભાંગી નાખીશ કહી ગાળો આપી હતી અને કહ્યું હતું.

કે મારા ઘરે બીજીવાર આવી તો મજા નહીં આવે.જેથી મહિલાએ પાડોશમાં રહેતા કનુ રાવળ પાસેથી રૂ.15 હજાર વ્યાજ લીધા હોય તેના બદલામાં આજ સુધીમાં રૂ.66 હજાર ચૂકવી દીધા હોવા છતાં મહિલાએ ગીરવે મુકેલ અડધા તોલા ઉપરની સોનાની બુટ્ટી તથા ચાંદીના સડા 500 ગ્રામના પરત નહીં આપી પઠાણી ઉઘરાણી કરી ધમકી આપતાં અંતે મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. જે અંગેની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે મની લેન્ડ એકટ, ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Sanj Samachar