(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.7
જિલ્લા સહિત સમગ્ર ઝાલાવાડ પંથકમાં ચાલુ વર્ષે જૂન માસના અંત સુધીમાં સિઝનનો માત્ર 8.36 ટકા જેટલો જ નહિવત વરસાદ નોંધાતાં ચિંતાના વાદળો ઘેરાયા છે. વરસાદ ખેંચાવાના કારણે જિલ્લામાં લીલા અને સૂકા ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે.
ગત વર્ષના 46 હજાર હેક્ટર સામે માત્ર 7518 હેક્ટરમાં વાવેતર થયું છે. જિલ્લામાં નાના-મોટા મળીને કુલ 8,87,332 જેટલા અબોલ પશુ છે.
ત્યારે ઘાસચારાના આસમાને આંબતા ભાવોના કારણે માલધારીઓ અને પશુપાલકો આર્થિક ભીંસમાં મૂકાયા છે.
પરિસ્થિતિને થાળે પાડવા માટે સરકાર દ્વારા તાત્કાલિક ઘાસડેપો શરૂ કરી વિનામૂલ્યે ઘાસચારો પૂરો પાડવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે. વરસાદના અભાવે બજારમાં ઘાસચારાની કૃત્રિમ અછત ઉભી થઈ છે હાલ બજારમાં લીલા ઘાસચારાનો ભાવ પ્રતિ મણ 20 કિલોના રૂ. 150થી 170 સુધી બોલાઈ રહ્યો છે.
જ્યારે પશુઓ માટે અત્યંત જરૂરી એવા સૂકા કડબના ભાવ મણના રૂ. 300થી 350ની સપાટીએ પહોંચી ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ 3,56,371 ગાય, 3,31,708 ભેંસ, 62,066 ઘેટા, 1,35,473 બકરા અને 1,714 ઘોડા મળીને કુલ 8.87 લાખથી વધુ પશુધન છે.
આ જીવોનું પેટ ભરવા માલધારીઓએ દરરોજ હજારોનો ઘાસચારો બજારમાંથી મોંઘા ભાવે ખરીદવો પડે છે, ઘાસચારો વેચનાર વેપારી સંજયભાઈએ જણાવ્યું હતું કે, અત્યારે વરસાદ ઓછો થતા આ ભાવ વધારો છે. પહેલા અમે લીલું ઘાસ 80થી 100 રૂપિયે વેચતા હતા, અત્યારે અમે આ ઘાસ 150થી 170 રૂપિયા વેચીએ છીએ. સુકું ઘાસ અમે 300થી 350 રૂપેટા વેચીએ છીએ.

