અમરેલીમાં વ્યાજખોરોના ત્રાસનો વધુ એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. અમરેલીના નાના માચીયાળા ગામના એક યુવકે વ્યાજખોરના ત્રાસથી કંટાળીને પોતાના ઘરની સામે જ જંતુનાશક ઝેરી દવા ગટગટાવી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ગૌતમભાઈ દેવશીભાઈ ચાચીયા (ઉ.વ.૨૮)એ વિઠ્ઠલપુર ખંભાળીયા ગામના લાલાભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે પોતાના લગ્ન પ્રસંગ માટે આજથી આશરે બે વર્ષ પહેલાં આરોપી પાસેથી ૫ ટકાના વ્યાજદરે રૂ. ૭૦,૦૦૦ લીધા હતા. તેઓ દર મહિને નિયમિત રીતે હપ્તે-હપ્તે વ્યાજની રકમ ચૂકવતો હતો. પરંતુ, છેલ્લા કેટલાક સમયથી આર્થિક પરિસ્થિતિ નબળી પડી જતાં તે વ્યાજ અને મૂળ રકમ ચૂકવી શક્યો ન હતો.
ગત તારીખ ૨૮ જૂન ૨૦૨૬ના રોજ આરોપીએ તેને રસ્તામાં આંતર્યો હતો અને પોતાની બાકી નીકળતી વ્યાજ સહિતની રકમની ઉઘરાણી કરી હતી. તેમજ જાહેરમાં બિભત્સ ગાળો આપી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, આરોપીએ તેનું બાઈક બળજબરીપૂર્વક પડાવી લીધું હતું અને ધમકાવતા કહ્યું હતું કે, મારા બધા પૈસા આપી જો અને તારી ગાડી લઈ જા. જેથી લાગી આવતાં પોતાની મેળે જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી.વી.સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.

